પ્રધાનમંત્રી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે
Live TV
-
પ્રધાનમંત્રીની માર્ગદર્શન હેઠળ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા અને મજબૂત કરવાના આપણા સમર્પણને વધુ મજબૂત કરવા માટે 2014માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ એટલે કે 31 ઓક્ટોબરને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આથી, પ્રધાનમંત્રી કેવડિયાના સ્ટેટસ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સાક્ષી બનશે, જેમાં BSF અને પાંચ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓ, જેમાં ઉત્તર ઝોન (હરિયાણા), પશ્ચિમ ઝોન (મધ્યપ્રદેશ), દક્ષિણ ઝોન (તેલંગાણા), પૂર્વીય ઝોન (ઓડિશા) અને નોર્થ ઇસ્ટર્ન ઝોન (ત્રિપુરા)ની ટુકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. તે ઉપરાંત, કોમનવેલ્થ ગેમ્સ 2022ના 6 પોલીસ સ્પોર્ટ્સ મેડલ વિજેતાઓ પણ પરેડમાં ભાગ લેશે.
અંબાજીના આદિવાસી બાળકોના મ્યુઝિકલ બેન્ડ દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહેશે. બેન્ડના સભ્યો એક સમયે અંબાજી મંદિરમાં ભીખ માંગતા હતા. પ્રધાનમંત્રીએ અગાઉ પણ આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તે ગયા મહિને તેઓ જ્યારે અંબાજીની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમની સમક્ષ આ બાળકોએ પરફોર્મન્સ આપ્યું હતું. અન્ય મુખ્ય આકર્ષણોમાં "હમ એક હૈ, હમ શ્રેષ્ઠ હૈ" થીમ પર NCC દ્વારા એક વિશેષ શો રજૂ કરવામાં આવશે અને અન્ય એક આકર્ષણમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ થાય છે, જેમાં જોડી બનાવેલા રાજ્યો દ્વારા એકસાથે પરફોર્મન્સ આપવામાં આવશે અને આ પ્રકારે આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આરંભ 4.0ના સમાપન પર 97મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધન આપશે. આરંભનું 4થું સંસ્કરણ “ડિજિટલ ગવર્નન્સ: ફાઉન્ડેશન એન્ડ ફ્રન્ટિયર્સ”ની થીમ પર રાખવામાં આવ્યું છે, જેમાં અધિકારી તાલીમાર્થીઓને જાહેર સેવાઓ પહોંચાડવાની કામગીરીને વધુ મજબૂત બનાવવા અને છેવાડાની વ્યક્તિ સુધી સેવાની ડિલિવરી વધુ પારદર્શક, અસરકારક અને કાર્યદક્ષ બનાવવા માટે ટેકનોલોજીકલ સોલ્યુશન્સનો લાભ કેવી રીતે લઇ શકાય તે શીખવામાં મદદ કરવામાં આવી છે. આ બેચમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 13 સેવાઓના 455 અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કેવડિયા ખાતે પર્યટકો માટે શરૂ કરવામાં આવેલા બે નવા આકર્ષણો - મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ લોકાર્પણ કરશે. મેઝ ગાર્ડન 3 એકર જમીનમાં ફેલાયેલો છે, જેથી હાલમાં તે દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન બની ગયો છે. તેમાં કુલ આશરે 2.1 કિમીનો પાથ-વે તૈયાર કરવામાં આવ્યો છે. તેની ડિઝાઇન 'શ્રીયંત્ર'ના આકારમાં તૈયાર કરવામાં આવી છે, જેના કારણે તે સ્થાન પર સકારાત્મક ઉર્જા લાવે છે તેવું માનવામાં આવે છે. ગાર્ડનમાં કુલ 1.8 લાખ છોડ વાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર પરિદૃશ્યની સુંદરતામાં વધારો કર્યો છે. મિયાવાકી ફોરેસ્ટ લગભગ 2 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં નેટિવ ફ્લોરલ ગાર્ડન, ટિમ્બર ગાર્ડન, ફ્રુટ ગાર્ડન, ઔષધીય ગાર્ડન, મિશ્ર પ્રજાતિ મિયાવાકી સેક્શન અને ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેકનિકનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યો છે. આ ટેકનિક ટૂંકા ગાળામાં ગાઢ, નેટિવ જંગલો તૈયાર કરવામાં મદદ કરે છે.
