પ્રધાનમંત્રી મોદીએ નીરજ ચોપરા અને તેમના પત્ની હિમાની મોર સાથે કરી મુલાકાત
Live TV
-
ભારતના સ્ટાર ભાલા ફેંકનાર (Javelin Thrower) નીરજ ચોપરાએ મંગળવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમ આવાસ ખાતે યોજાયેલી આ મુલાકાતમાં નીરજ ચોપરાની સાથે તેમના પત્ની હિમાની મોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાતની તસવીરો શેર કરતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, "મંગળવારે સવારે નીરજ ચોપરા અને તેમના પત્ની હિમાની મોર સાથે મુલાકાત થઈ. અમે રમતગમત સહિત અનેક મુદ્દાઓ પર અર્થસભર ચર્ચા કરી."
નીરજ ચોપરાએ રમતગમત ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે.વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવીને સાતત્ય જાળવી રાખ્યું હતું. મે 2025માં દોહા ડાયમંડ લીગ દરમિયાન 90.23 મીટરનો થ્રો ફેંકીને તેઓ 90 મીટરનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા હતા.આ વર્ષે તેમણે પેરિસ ડાયમંડ લીગ અને બેંગલુરુમાં 'નીરજ ચોપરા ક્લાસિક' સહિત ચાર મહત્વની સ્પર્ધાઓ જીતી છે.
રમતગમતની સાથે નીરજ ચોપરા ભારતીય સેનામાં પણ સક્રિય છે. મે 2016માં તેઓ 4થી રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટમાં નાયબ સુબેદાર તરીકે જોડાયા હતા. તેમની અપ્રતિમ સિદ્ધિઓને ધ્યાને રાખીને તેમને ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે. અગાઉ તેમને પદ્મશ્રી, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
