પ્રધાનમંત્રી મોદીએ વાવ-થરાદમાં રૂ.19,806 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ, કહ્યું- ‘ડીસા એરબેઝથી વધશે સરહદ સુરક્ષા’
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે(31 માર્ચ, 2026) વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 19,806.9 કરોડના અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે આયોજિત વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, મા અંબાની કૃપાથી જ આજે મને તેમના શરણોમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે.
ડીસા એરબેઝ: રાષ્ટ્રીય સુરક્ષાનું નવું કેન્દ્ર
પીએમ મોદીએ ખાસ ઉલ્લેખ કર્યો કે તેમનું વિમાન સીધું જ ડીસા એરબેઝ પર લેન્ડ થયું હતું. તેમણે અગાઉની કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 'ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર છે, જે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જમીન સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ તત્કાલીન દિલ્હી સરકારે આ પ્રોજેક્ટની ફાઇલો દબાવી રાખી હતી. આજે એરફોર્સનો આ મોટો બેઝ તૈયાર થવાથી પશ્ચિમી સરહદ વધુ સુરક્ષિત બનશે અને સ્થાનિક રોજગારી વધશે.'ગુજરાત: રિન્યુએબલ એનર્જીનું ગ્લોબલ હબ
પ્રધાનમંત્રીએ ગુજરાતની સૌર ઉર્જા ક્ષેત્રની સિદ્ધિઓને બિરદાવતા કહ્યું કે, '2010માં જ્યારે દેશમાં સૌર ઉર્જા પર ઓછું ધ્યાન અપાતું હતું, ત્યારે ગુજરાતમાં દેશનો પ્રથમ સોલર પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. આજે ખાબડા રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા પ્રોજેક્ટ્સ સાથે ગુજરાત વિશ્વમાં ઉર્જાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે.'વિકાસની સફર અને ભૂતકાળના સંઘર્ષ
ઉત્તર ગુજરાતના દિવસોને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, "એક સમય હતો જ્યારે ઉત્તર ગુજરાત એટલે દુષ્કાળ અને અછત. લોકોએ પાણી માટે કિમી સુધી ભટકવું પડતું હતું. કોંગ્રેસ સરકારોએ આ વિસ્તારની સતત ઉપેક્ષા કરી હતી. પરંતુ આજે ગામડે ગામડે રસ્તા, હાઇવે અને વંદે ભારત જેવી ટ્રેનોની સુવિધા પહોંચી છે."વૈશ્વિક અસ્થિરતા અને ભારતની મજબૂતી
પ્રધાનમંત્રીએ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને અરાજકતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'વિશ્વ જ્યારે ઉર્જા સંકટ અને અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારત પોતાની મજબૂત વિદેશ નીતિ અને એકતાને કારણે સ્થિર રહી શક્યું છે.'કોંગ્રેસ પર આકરા પ્રહાર
પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, 'જ્યારે દેશને એકતાની જરૂર છે, ત્યારે કોંગ્રેસ વિભાજનકારી રાજનીતિ કરી રહી છે.' દિલ્હીમાં AI સમિટ દરમિયાન થયેલા પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'દુનિયામાં ભારતની છબી ખરાબ કરવાના ષડયંત્રો સામે આપણે સાવધ રહેવું પડશે.' અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પંચાયતથી સંસદ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ગતિ આપતો રહેશે.
