સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બોગસ ડોક્ટર ઝડપાયો, એલોપેથીક દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે દરોડો પાડીને કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે દરોડો, દવાઓનો જથ્થો જપ્ત
SOG ટીમને બાતમી મળી હતી કે વિરેન્દ્રગઢ ગામે એક શખસ ડોક્ટર ન હોવા છતાં ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે કુડા PHCના મેડિકલ ઓફિસર ડો. પ્રશાંતભાઈ એસ. સોલંકીને સાથે રાખી હરેશભાઈ પોપટભાઈ ઠાકોરના રહેણાંક મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન નીચે મુજબની વિગતો સામે આવી છે:
ઝડપાયેલ આરોપી: હરેશભાઈ પોપટભાઈ ઠાકોર (ઉંમર 26 વર્ષ).
મુદ્દામાલ: અલગ-અલગ કંપનીઓની એલોપેથીક દવાઓ અને સાધનો મળી કુલ રૂ. 18,381નો મુદ્દામાલ જપ્ત કરાયો.
મૂળ વતની: આરોપી મૂળ રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 26 વર્ષીય હરેશ ઠાકોર પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની કોઈ પણ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર નહોતું. આમ છતાં તે લોકોના જીવ જોખમમાં મૂકીને એલોપેથીક દવાઓ આપતો હતો. પોલીસ દરોડા દરમિયાન દવાઓનું લાંબુ લિસ્ટ પણ મળી આવ્યું છે જે તે દર્દીઓને આપવા માટે રાખતો હતો.
કાયદેસરની કાર્યવાહી
આ મામલે પોલીસે આરોપી હરેશ ઠાકોર વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખસ ક્યારથી આ રીતે પ્રેક્ટિસ કરતો હતો અને અત્યાર સુધી કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે.
