પ્રસિદ્ધ માધવપુર ઘેડ મેળાનો રાજ્યના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં થયો પ્રારંભ
Live TV
-
આગામી સમયમાં ફેઝ-2 અંતર્ગત આશરે રુ.43 કરોડના ખર્ચે માધવપુરની કાયાપલટ કરવાનું આયોજન... ઉતર પૂર્વ રાજ્યો અને ગુજરાતના 540 કલાકારોએ પ્રસ્તુત કર્યો મેગા સાંસ્કૃતિક કાર્યકમ..
ગુજરાતના પવિત્ર અને ઐતિહાસિક દરિયાકાંઠે આવેલા માધવપુર (ઘેડ) ખાતે પરંપરાગત મેળાનો કેબિનેટ મંત્રી અર્જૂન મોઢવાડિયાની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો છે. આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ સાથે મેળાની રોનકમાં વધારો થયો હતો. મંત્રીએ આ પ્રસંગે માધવપુરવાસીઓ અને મેળામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારકાથી સોમનાથ સુધીની દરિયાઈ પટ્ટી પર આવેલા તમામ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટીબદ્ધ છે.
સદીઓથી પરંપરાગત રીતે ઉજવાતો આ મેળો ગુજરાતના લોકજીવનના સાંસ્કૃતિક ધબકારને જીવંત રાખવાનું એક ઉત્તમ માધ્યમ છે. આ મેળાનું સૌથી મહત્વનું પાસું ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિ છે. ખાસ કરીને, ઉત્તર-પૂર્વ ભારતના રુક્મિણીજી અને પશ્ચિમ ભારતના શ્રીકૃષ્ણનો આ મેળા દ્વારા થતો મિલાપ એ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સાર્થક કરતું રાષ્ટ્રીય એકતાનું અનોખું પ્રતીક છે. શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગના આ સંગમમાં લોકો દૂર-દૂરથી આવીને પોતાની સંસ્કૃતિને માણે છે, જે ભારતીય સંસ્કારોની ભવ્યતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરે છે.
મેળાથી પ્રવાસન અને સ્થાનિક રોજગારીના નવા દ્વાર ખુલ્યા
મંત્રીએ કહ્યું કે, વર્ષ 2018થી આ મેળાને જે રાષ્ટ્રીય સ્તરનું નવું સ્વરૂપ મળ્યું છે, તેનાથી પ્રવાસન અને સ્થાનિક રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે. વિકાસ અને આસ્થાનો સંગમ એવા દ્વારકા અને સોમનાથની અર્થવ્યવસ્થા બદલાઈ રહી છે. આ બંને આધ્યાત્મિક કેન્દ્રોની બરોબર વચ્ચે આવેલું માધવપુર પણ હવે વિકાસના પંથે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ સમગ્ર પટ્ટો ધમધમતો થવાનો છે, માધવપુરમાં અનેક પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે. જેમાં કર્લી મોકર સાગર ખાતે આશરે 200 કરોડના ખર્ચે પક્ષી અભયારણ્ય અને પોરબંદર પાસે રંગબાઈ માતાના મંદિર નજીક 25 કરોડના ખર્ચે સાંસ્કૃતિક વન તૈયાર થઈ રહ્યું છે. પોરબંદરમાં સુદામા મંદિર અને કીર્તિ મંદિર જેવા અનેક પ્રકલ્પો તૈયાર થઈ રહ્યા છે.
મંત્રીએ ઉમેર્યું કે, મૂળ દ્વારકાથી હર્ષદ માતાના મંદિર સુધીનો 11 કિલોમીટર લાંબો બીચ ડેવલપ કરવામાં આવશે. આ વિકાસના કાર્યો માત્ર સંસ્કૃતિને જ ઉજાગર નથી કરતા, પરંતુ નવી ઈકોનોમી અને રોજગારીનું પણ સર્જન કરે છે. બરડા ડુંગરમાં લાયન સેન્ચુરી પણ આકાર લઈ રહી છે, જેનાથી આ વિસ્તારમાં પ્રવાસન વધશે. જ્યારે આ તમામ પ્રકલ્પો પૂર્ણ થશે ત્યારે માધવપુર વિશ્વના નકશા પર અંકિત થશે.
