ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો, રાજ્યના વીજગ્રાહકોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહતોના લાભ મળશે
રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે.જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહતોના લાભ મળશે. ઉર્જામંત્રી સૌરભ પટેલે આ જાણકારી આપી હતી.ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે વીજ વપરાશ કર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યૂઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી 2020થી માર્ચ 2020 દરમિયાન ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રુપિયા 2.06 પૈસા લેખે વસૂલાતો હતો તેની સામે એપ્રિલ 2020 થી જૂન 2020 ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.90 ના દરે વસૂલવાનો થાય છે. આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટમાં 16 પૈસાનો ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહત મળશે.મંત્રી સૌરભ પટેલે ઉમેર્યું હતું કે આ ફ્યૂઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે. જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે અંદાજે 1.30 કરોડ થી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે.
