બારડોલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એક્તા યાત્રાનો પ્રારંભ
Live TV
-
સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક-સીએમ
31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબના એકતા-અખંડિતતાના મંત્રને રાજ્યભરમાં ગૂંજતો કરવા આજથી એકતા યાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરતના બારડોલીથી એકતાયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બારડોલીમાં સૂર્યશક્તિ કિસાન યોજનાનો આરંભ કરાવ્યો હતો. આ યોજનાનો લાભ લઈને ખેડૂત ખેતરમાં જ વીજ ઉત્પાદન કરી શકશે. રાજ્યભરમાં બે તબક્કામાં એકતાયાત્રા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં એકતાયાત્રાનો પ્રારંભ કરાવવાના છે. 10 હજાર ગામોમાં 50 થી વધુ 'એકતારથ' પરિભ્રમણ કરશે. યાત્રા દરમિયાન ગામોમાં રથનું ભવ્ય સ્વાગત કરાશે, તેમજ એકતાના શપથ લેવડાવાશે. પ્રથમ તબક્કો 20 મી ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન ચાર ઝોનમાં યાત્રા યોજાઈ રહી છે. જ્યારે બીજો તબક્કો 12 નવેમ્બરથી 21મી નવેમ્બર દરમિયાન યોજાશે.

બારડોલીથી એકતા યાત્રાને પ્રસ્થાન કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે જે નગરના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતોની એક્તાએ વલ્લભભાઈ પટેલને સરદાર સાહેબનું બિરુદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક સુભગ તક છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક છે. દેશની એક્તા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જો સરદાર સાહેબ ના હોત તો દેશનો નકશો જ અલગ હોત. તેમ સ્પષ્ટ પણે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર જ્યંતી 31 ઓકોટબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્વનો અને ઐતિહાસિક બનશે.આજથી સમગ્ર ગુજરાતમાં બે તબક્કામાં 10 હજાર ગામડાઓમાં ફરશે. અને સરદાર પટેલના જીવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે માહિતગાર કરવામાં આવશે.

