ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની ગૂગલ સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી
Live TV
-
ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની ગૂગલ સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી
ટેકનોલોજીના ક્ષેત્રે ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ કોલેજના આઈ.ટી. વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ — બ્રિન્દા ગોહેલ, શિવમ પટેલ, અને માહિત માવાણી — ની ગૂગલના પ્રતિષ્ઠિત કાર્યક્રમ Google Developer Student Clubs (GDSC) અંતર્ગત સ્ટુડન્ટ લીડ તરીકે પસંદગી થઈ છે.
કોલેજના આચાર્ય ડૉ. જી.પી. વડોદરિયા અને આઈ.ટી. વિભાગના વડા ડૉ. ડી.જે. વરિયાના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કોલેજ અને ભાવનગરનું નામ રોશન કર્યું છે.
GDSC પ્રોગ્રામ અને તેની ભૂમિકા
GDSC એ ગૂગલ ડેવલપર્સ દ્વારા સંચાલિત એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજના વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રે તાલીમ આપવી, વાસ્તવિક જીવનની સમસ્યાઓનું નિરાકરણ લાવવું અને તેમને ટેકનોલોજી સમુદાય સાથે જોડવાનું છે. આ પદવી મળવાથી વિદ્યાર્થીઓને ગૂગલની વર્ચ્યુઅલ અને ઇન-પર્સન ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તક મળશે, આંતરરાષ્ટ્રીય સ્તરના મેન્ટરો પાસેથી તાલીમ મેળવી શકાશે, તેમની લીડરશીપ ક્ષમતાઓમાં વિકાસ થશે.
આ પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીઓ પોતે ટેકનોલોજી શીખે અને પોતાના જેવા અન્ય યુવાનોને પણ શીખવે તે છે. આ સિદ્ધિથી આઈ.ટી. ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરવા અને વૈશ્વિક સ્તરે કામ કરવાની અનોખી તક મળશે. આ ત્રણેય વિદ્યાર્થીઓની પસંદગીથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ અને સમગ્ર ભાવનગરનું ગૌરવ વધ્યું છે.
