મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ: ટ્રેડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન
Live TV
-
ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા અને 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે.
કોન્ફરન્સના ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ પહેલાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણા ખાતે આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત પણ ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોએ VGRC પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ ઇવેન્ટ ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓઓ, સરકારી વિભાગો, PSUs અને વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવવાનો પ્રયાસ છે.લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું આયોજન થયું છે, જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે.
આ કાર્યક્રમમાં ટોરેન્ટ, વેલ્સ્પન, NHPC, NTPC, કોસોલ, સુઝલોન, અવાડા, નિરમા, INOX, અદાણી, મારુતિ સુઝુકી, પાવરગ્રીડ કૉર્પોરેશન લિમિટેડ અને ONGC જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાઈ છે.વધુમાં, પ્રદર્શનના ભાગરૂપે, દૂધસાગર ડેરી, ONGC, વેસ્ટર્ન રેલ્વે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP) નું આયોજન કરવામાં આવશે. આ VDPનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી'ની ભાવના સાથે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગસાહસિકતા, ગ્રામ્ય સ્તરે નવીનતા અને સામુદાયિક વિકાસની શક્તિનો ઉત્સવ મનાવી રહ્યું છે. આ આયોજન ક્ષેત્રીય સશક્તિકરણ, વૈશ્વિક સહયોગ અને ટકાઉ પ્રગતિને નવી ઊર્જા આપશે.ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, એનર્જી વિભાગના ACS હૈદર, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ, જિલ્લા કલેકટર એસ.કે પ્રજાપતિ, તેમજ રાજ્ય સરકારના વિભાગના અધિકારીઓ/પદાધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
