‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા વન્યજીવ સપ્તાહની સફળ ઉજવણી: 10 હજારથી વધુ નાગરિકો સહભાગી
Live TV
-
‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા. 2 થી તા. 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ સપ્તાહ દરમિયાન, 10 હજારથી વધુ વન્યજીવ અને પર્યાવરણપ્રેમી નાગરિકોએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તથા અરણ્ય ઉદ્યાન ખાતેની ઉજવણીમાં સહભાગી થઈ પ્રકૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો.
માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ સેમિનારમાં વિશેષ રજૂઆત
વન્યજીવ સપ્તાહની ઉજવણીના અંતિમ કાર્યક્રમ તરીકે, તા. 8 ઓક્ટોબર 2025ના રોજ કોલેજના વિદ્યાર્થીઓ માટે માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે વન્યજીવ સંરક્ષણના ઇતિહાસ અને વન્યજીવ સંરક્ષણ સાથે માનવોના સહઅસ્તિત્વ અંગે વિગતવાર સમજણ આપી હતી.
વન્યપ્રાણી માર્ગ અકસ્માત સર્વે માટે ગૂગલ ફોર્મનું વિમોચન
નિયામક બી.પી. પતીના હસ્તે એક મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે, વન્યપ્રાણીઓ દ્વારા અવારનવાર રસ્તો ઓળંગવા અથવા માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુની ઘટનાઓ અંગેની પ્રાથમિક માહિતી એકત્રિત કરવાના સર્વે માટેના ગૂગલ ફોર્મનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ ફોર્મનો મુખ્ય હેતુ ખાસ કરીને સરિસૃપ, પક્ષીઓ અથવા નાના સસ્તન પ્રાણીઓના અકસ્માતો, જે ઘણીવાર નોંધાયા વગર રહી જાય છે, તેની માહિતી એકત્રિત કરવાનો છે. આ માહિતી વન્યપ્રાણી અકસ્માતના કારણો સમજવા અને તેના અસરકારક નિવારણ પગલાં તૈયાર કરવા માટે ઉપયોગી બનશે. આ ગૂગલ ફોર્મની લિંક ગીર ફાઉન્ડેશનની વેબસાઇટ https://geerfoundation.gujarat.gov.in અને https://gswa-geer.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ રહેશે.
૨૨થી વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન
સમગ્ર સપ્તાહ દરમિયાન, ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ૨૨થી વધુ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો, વેટરનરી સાયન્સના વિદ્યાર્થીઓ, હોમગાર્ડના જવાનો, વન અધિકારીની તાલીમ લઈ રહેલા અધિકારીઓ, બાળકો સહિત વડીલો મળીને કુલ ૨૫૦૦થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત ઓનલાઈન અને ઓફલાઈન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતિદિન વન્યજીવ આધારિત અલગ અલગ વિષયવસ્તુ જેમ કે, બિડાલ કુળના પ્રાણીઓ, શ્વાન કુળના પ્રાણીઓ, સરિસૃપો, પક્ષીઓ, ઉભયજીવીઓ અને કિટકો એમ વિવિધ વિષયો પર સોશિયલ મિડિયા અને ડિજિટલ મિડિયા દ્વારા લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક વેસ્ટ અપસાઈક્લિંગ, ઈકો આર્ટ, માટીમાંથી વન્યજીવોના રમકડા બનાવવા, નિઃશૂલ્ક નિદાન કેમ્પ, વાઈલ્ડ લાઈફ ઓરિગામી, નેચર વોક, વન્યજીવને લગતા સેમિનાર જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા લાવવાનો ‘ગીર ફાઉન્ડેશન’ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
