મુખ્યમંત્રીએ કરાવ્યો રણોત્સવ 2025-26નો પ્રારંભ: 179 કરોડ રૂ.ના વિકાસકાર્યોનું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રીએ કરાવ્યો રણોત્સવ 2025-26નો પ્રારંભ: 179 કરોડ રૂ.ના વિકાસકાર્યોનું લોકાર્પણ!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફેદ રણ ધોરડો ખાતેથી રણોત્સવ 2025 નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કચ્છના રણને 'પ્રવાસનનું તોરણ' અને 'વિશ્વ માટે ફેવરીટ ટુરીઝમ ડેસ્ટીનેશન' બનાવવાનું સપનું આજે સાકાર થયું છે.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રણોત્સવ હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગયો છે અને સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા સન્માન: તેમણે યાદ અપાવ્યું કે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) એ ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ ના એવોર્ડથી નવાજ્યું છે. આનાથી PM મોદીનો "વિરાસત ભી, વિકાસ ભી" અભિગમ સાકાર થયો છે.
રણોત્સવની થીમ:
આ વર્ષે વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ ના અવસરને સાંકળીને “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના” થીમ આધારીત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદઘાટન કરાયું હતું.
₹179 કરોડના વિકાસકાર્યો:
મુખ્યમંત્રીએ કચ્છના પ્રવાસનને વેગ આપવા માટે લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના રૂ. 179 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં કર્યા હતા.
વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતા:
CM પટેલે પ્રવાસીઓની સુવિધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી. તેમણે વિકસિત ભારત 2047 ના નિર્માણ માટે નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કરી, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ: મુખ્યમંત્રીએ ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના વિઝનને જનજન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું પણ લોકાર્પણ કર્યું હતું.
ગત રણોત્સવમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો હતો. આ ઉત્સવ થકી લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે, જેનાથી ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને લોકલ ફોર ગ્લોબલ ને વેગ મળ્યો છે. આ પ્રસંગે અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
