Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ ખેડબ્રહ્મા ખાતે પાણી પુરવઠા વિભાગની રૂ. 536.78 કરોડની યોજનાનું કર્યુ લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડબ્રહ્મા ખાતે પાણી પુરવઠા વિભાગની રૂપિયા 536.78 કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીની દૂરંદેશીતા અને સતત  સફળ પ્રયાસોના પરિણામે ગુજરાત આજે 'હર ઘર જલ'નું સ્વપ્ન સાકાર કરી રહ્યું છે. આ પ્રયાસોના પરિણામે જ આજે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ઘર-ઘર સુધી પાણીનું વ્યવસ્થાપન થયું છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારોમાં રાજ્યમાં પાણીની શું સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. આજે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં નળ થી જલ પહોંચી રહે તેવું વ્યવસ્થાપન થઈ રહ્યું છે.
        

    સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માની આર્ડેક્તા કોલેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ.136.43 કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી યોજનાઓનું લોકાપર્ણ જયારે રૂ.400 કરોડના ખર્ચે નવી આકાર પામનાર વિવિધ જૂથ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધરોઇ વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારીત આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના 419 ગામોના 17.15 લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.
         

    પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજનાઓના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત વેળાએ પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા છે. આ આઠ વર્ષમાં સુશાસન કોને કહેવાય એ નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે.
        

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સરકાર છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકે તેવા તમામ પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિનો યુગ શરૂ થયો છે અને વિકાસ કોને કહેવાય એ આજે દેશ અને દુનિયા જોઇ રહી છે. આજે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં જ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને મારી ટીમ ગુજરાત આ ગ્રોથ એન્જિનને આગળ વધારવાનો  સતત પ્રયાસ કરી રહી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    પ્રાકૃતિક ખેતી અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના દીર્ધદ્રષ્ટા નરેન્દ્ર મોદીએ દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગવંતી બનાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યા છે. ગુજરાતે તો ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક ખેતી જિલ્લો પણ જાહેર કરી દીધો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
         

    રાજ્યની સુરક્ષાની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત રાજ્યે  સુરક્ષાની દિશામાં સારી એવી પ્રગતિ કરી છે અને રાજ્યમાં એક શાંતિ બની રહે એવા તમામ પ્રયાસો રાજ્ય સરકારે કર્યા છે. વિચરતી જાતિ માટે થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે વિચરતી જાતિના લોકોનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. વિચરતી જાતિના લોકો જે હરી ફરીને પોતાનું ગુજરાન ચલાવતા રહે છે એ લોકોને રાજ્ય સરકારે પાકા મકાનો બનાવી આપ્યા છે અને તેમના છોકરાઓને શિક્ષિત અને દીક્ષિત કરવાનું કામ પણ આ રાજ્ય સરકારે કર્યું છે. ગુજરાતના વિકાસની ગતિ નરેન્દ્ર મોદીએ આપી છે તેને આ સરકાર 'સૌના સાથ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ'થી આગળ ધપાવી રહી છે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
        

    આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી 'નલ સે જલ' યોજનાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે આ રૂપિયા 536 કરોડના ખર્ચે સાબરકાંઠા જિલ્લામાં આ યોજનાનું ખાતમર્હુત થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના કામો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, આજે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આજે અનેક લોકોને મળી રહ્યો છે. તેમણે આ તકે ઉમેર્યું હતું કે, અંતિમ છેવાડાના માનવીને સુખાકારી મળી રહે તે સરકારની કટિબદ્ધતા છે. આ પ્રસંગે રાજયસભાના સાંસદ  રમીલા બારાએ જણાવ્યું હતું કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા 'નલ સે જલ' યોજના થકી પહાડી વિસ્તારો અને વન વિસ્તારોમાં પણ પાણી પહોંચતું થયું છે. રમીલા બારાએ કહ્યું કે, આ સરકાર એ આદિવાસીઓનું કલ્યાણ કરતી સરકાર છે.
        

    આ અવસરે સાસંદ દિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયના પ્રમુખ ધીરજ પટેલ, ધારાસભ્ય સર્વ રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીકારી, મુખ્ય ઇજનેર તથા જીયુડીસીના ડિરેક્ટર જે.ડી. પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply