મુખ્યમંત્રીના હસ્તે આગામી 8 ઓકટોબરે 'અન્નપૂર્ણા યોજના'ના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ થશે
Live TV
-
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર 5 રૂપિયામાં બાંધકામ શ્રમિકોને ભોજન મળશે
ગુજરાત સરકારના શ્રમ -કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી 8 ઓકટોબરના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'ના 22 ભોજન કેન્દ્રોનું તથા શ્રમયોગીઓને યોજનાકીય લાભોના ઓનલાઇન વિતરણ માટેના શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત 5 રૂપિયામાં શ્રમિક તથા તેના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. 'શ્રમ સન્માન પોર્ટલ' હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકાશે તથા કરેલ અરજીનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ-22 કડીયાનાકાઓ પર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થશે. જે તબક્કાવાર સમગ્ર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વર્તમાનમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ બાંધકામ શ્રમયોગીઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ-20 યોજનાઓ કાર્યરત છે. જ્યારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કુલ-14 યોજનાઓ કાર્યરત છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા માટે શ્રમિકની બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી હોવી જરૂરી છે. જે નોંધણી કરાવ્યા બાદ તેમને ઓળખ સ્વરૂપે ઇ-નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. આ નોંધણી સ્વનોંધણી, સી.એસ.સી. સેન્ટર તથા ઇ-ગ્રામ કેન્દ્રોના માધ્યમથી કરાવી શકાય છે. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ સંગઠિત ક્ષેત્રના શ્રમિક કે જેઓના વેતનમાંથી શ્રમયોગી કલ્યાણ ફંડના ફાળાની કપાત થાય છે તેઓ મેળવી શકે છે. બંને બોર્ડ દ્વારા વર્તમાનમાં પણ યોજનાકીય લાભોનું વિતરણ ડાયરેકટ બેનેફિટ ટ્રાન્સફર મારફત કરવામાં આવે છે ત્યારે સમગ્ર અરજી પ્રક્રિયા શ્રમ સન્માન પોર્ટલ મારફત ઓનલાઇન થવાથી અરજી પ્રક્રિયા ઝડપી બનશે તથા પારદર્શિતામાં વધારો થશે.
