મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’નું અનાવરણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ગુજરાત@75: એજન્ડા ફોર 2035' ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું. આ રિપોર્ટ આગામી દાયકા માટે ગુજરાતના વિકાસનો એજન્ડા રજૂ કરે છે, જે 'વિકસિત ભારત@2047'ના વિઝન સાથે સુસંગત છે. આ એજન્ડા '4I' પર કેન્દ્રિત છે, જેમાં રૂ.7.5 લાખ કરોડના રોકાણ દ્વારા માળખાગત સુવિધાઓને મજબૂત કરવા, 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ લાવવા અને 75 લાખ નવી નોકરીઓ ઊભી કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોનો સમાવેશ થાય છે.
વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના સીમાચિહ્નરૂપ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્ય માટે આવનારા દાયકામાં વિકાસની રૂપરેખા નક્કી કરવા માટે ગુજરાત સરકારે આજે ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’ ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું હતું. આ રિપોર્ટનું અનાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ માઇલસ્ટોન ગુજરાતની સિદ્ધિઓની ઉજવણી અને ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત@2047ના વિઝન સાથે સુસંગત છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ એજન્ડા આગામી દાયકામાં ગુજરાતની દરેક વ્યક્તિ માટે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’નું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં સરકારના પ્રયાસોની સમીક્ષા કરશે.
‘સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક’ના સૂત્રને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાત સરકાર
'એજન્ડા ફોર 2035’ રિપોર્ટમાં ગુજરાતની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યના લક્ષ્યો અને તેને પ્રાપ્ત કરવા માટેની વ્યૂહરચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો હેતુ રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા, માળખાગત સુવિધા અને પર્યાવરણીય ટકાઉપણું વગેરે ક્ષેત્રોને વેગ આપવાનો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં સંતુલિત અને સમાવિષ્ટ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તે "સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક" સૂત્રને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે.
મુખ્ય લક્ષ્યાંકો:
શિક્ષણ અને રોજગાર: 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ શરૂ કરવામાં આવશે, અને 75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે, જેથી 75 લાખ સ્કીલ નોકરીઓનું સર્જનથાય.
આરોગ્ય સંભાળ: દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ, મૅડિકલ કોલેજોની સંખ્યામાં વધારો, વ્યાપક ડિજિટલ આરોગ્ય નેટવર્ક અને દરેક પરિવાર માટે આરોગ્ય વીમા કવરેજ.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્ય સરકાર આગામી દાયકામાં રૂ.7.5 લાખ કરોડનું રોકાણ કરીને રસ્તાઓ, સિંચાઈ, બંદરો, પરિવહન, પાણી અને ઊર્જા પુરવઠામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.
ગ્રીન એનર્જી અને પર્યાવરણ: ગુજરાત ક્લીન એનર્જી અને હરિત ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આગામી 10 વર્ષમાં 750 જગ્યાઓને અર્બન લંગ્સ તરીકે વિકસાવવા, 7,500 મિયાવાકી જંગલો બનાવવા અને 75 ગીગાવોટ પવન ઊર્જાનું લક્ષ્ય છે.
ખેડૂત અને ગ્રામીણ વિકાસ: પાકની ગુણવત્તામાં સુધારો, મૂલ્યવર્ધન અને એગ્રો-પ્રોસેસિંગ દ્વારા ખેડૂતોની આવક વધારવી.
ઇનોવેશન: 2035 સુધીમાં, ગુજરાત સ્ટાર્ટ-અપ્સ અને સાહસોને પ્રોત્સાહન આપીને ભારતનું ઇનોવેશન પાવરહાઉસ બનશે.'4I' પર ધ્યાન કેન્દ્રિત:
ગુજરાતની આ યોજના “4I” એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન , ઈન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યૂશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ડોક્યુમેન્ટ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 2047 સુધીમાં ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’નું અનાવરણ સીમાચિહ્નરૂપ છે.
