NFSU ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી
Live TV
-
ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્સિક્સ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી. કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે 'નિયંત્રિત મન જીવનને શાંતિપૂર્ણ બનાવે છે' તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે DIG પ્રશાંત કે. શર્માએ માહિતી આપી હતી કે ઓપરેશનલ સ્ટ્રેસનો સામનો કરવા માટે કોસ્ટ ગાર્ડ અને NFSU માનસિક સ્વાસ્થ્ય સંબંધી પડકારો પર સાથે મળીને કાર્ય કરી રહ્યા છે. જાગૃતિ લાવવાના હેતુથી આ સપ્તાહ દરમિયાન રેલી અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્સિક્સ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.
તા.15 ઓક્ટોબર, 2025ના રોજ યોજાયેલા માસ્ટર ઓફ સેરેમની કાર્યક્રમમાં 'પદ્મશ્રી'થી સન્માનિત, NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશેષ આમંત્રિતોમાં DIG પ્રશાંત કે. શર્મા, TM, CoS(offg); HQ-CGR(NW); બ્રિગેડિયર અનિલ કાકડે, અમદાવાદ આર્મી કેન્ટ, અમદાવાદ અને લેફ્ટનન્ટ કર્નલ ડૉ. સંજય કુમાર, એસોસિયેટ પ્રોફેસર અને હેડ, મનોચિકિત્સા વિભાગ, આર્મી હોસ્પિટલ, અમદાવાદનો સમાવેશ થયો હતો. પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર; સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU અને પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડિરેક્ટર, NFSU-દિલ્હી પણ મંચ પર ઉપસ્થિત હતા.
ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા અપાયેલા અધ્યક્ષીય સંબોધનમાં જણાવાયું હતું કે, મનને નિયંત્રિત કરવું એ પવનને કાબૂમાં રાખવા જેટલું પડકારજનક છે. તેમણે કહ્યું કે સતત અભ્યાસ અને આત્મનિરીક્ષણ દ્વારા ધીમે ધીમે મનને શિક્ષિત કરી શકાય છે અને ચિંતા, ભય જેવી ભાવનાત્મક ભૂલોને બુદ્ધિપૂર્વક દૂર રાખવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ધીરજ અને સ્વ-અભ્યાસ સાથે, દુઃખને શાંતિ, સંવાદિતા અને પ્રસન્નતામાં પરિવર્તિત કરી શકાય છે, જેનાથી નિયંત્રિત મન આપણા જીવનને શાંતિપૂર્ણ બનાવે છે.
DIG પ્રશાંત કે શર્માએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓપરેશનલ સ્ટ્રેસ, આઘાત, એકલતા અને ડિજિટલ ઓવરલોડથી ઉદ્ભવે છે. તેમણે માહિતી આપી કે આ કટોકટીનો સામનો કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને NFSUએ એક સમજૂતી કરાર પણ કર્યા છે, જેનાથી વધુ સંશોધન અને સમસ્યા નિવારણ માટેના મહત્ત્વપૂર્ણ પગલાં ભરી શકાય.
આ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહનો ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને સામાન્ય લોકોને તેનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમના છેલ્લા દિવસે કેમ્પસમાં 'માનસિક સ્વાસ્થ્ય' રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોના વિચારો પ્રગટ કરવા માટે વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો.
પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર, દ્વારા સ્વાગત ભાષણ અને ડૉ. સ્મિતા પાંડે, એસોસિએટ ડીન-સ્કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્સિક્સ-NFSU દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ફોરેન્સિક સાયકોલોજી નિષ્ણાતો, NFSUની વિવિધ શાળાઓના ડીન, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
