વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન માટે ગુજરાતના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત
Live TV
-
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ મેળવ્યો છે. તા.14 ઓક્ટોબર, 2025ના રોજ "વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન"નો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે વિશ્વમાં કોઈ દેશના પ્રધાનમંત્રીને લખાયેલા પોસ્ટકાર્ડની સૌથી મોટી સંખ્યા છે. આ પોસ્ટકાર્ડમાં GST સુધારા, મેક ઇન ઇન્ડિયા, જનધન યોજના જેવા વિવિધ વિષયો પર આભાર વ્યક્ત કરાયો હતો. આ પૂર્વેનો રેકોર્ડ 6,666 પોસ્ટકાર્ડ સાથે સ્વિટ્ઝર્લેન્ડ પાસે હતો.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં 1 કરોડ 11 લાખ 75 હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જે અન્વયે તા. 14 ઓક્ટોબર, 2025ના રોજ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ના અધિકારીઓ દ્વારા "વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન" રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ, વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના પ્રધાનમંત્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે, તેમ પત્રકાર પરિષદમાં સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે જણાવ્યું હતું.
વધુ વિગતો આપતા સચિવએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા પ્રધાનમંત્રીને આજદિન સુધી ભારતવર્ષમાં થયેલા તમામ નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં જીએસટી સુધારા, મેક ઇન ઇન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, જનધન યોજના, બુલેટ ટ્રેનની શરૂઆત, વગેરે જેવા વિવિધ વિષયો ઉપર આભાર લેખન પોસ્ટકાર્ડ મારફતે દર્શાવવામાં આવ્યા હતા.
સચિવએ કહ્યું હતું કે, જ્યારે પોસ્ટકાર્ડ લેખનનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે 75 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો. પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દ્વારા મક્કમ અને સબળ પ્રયાસો કરી અંદાજિત 75 લાખના આંકડાને પણ ક્યાંય પાછળ મૂકીને 1.11 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખી, ભારત અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વ ફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ-2021માં સૌપ્રથમ સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો માટે વિશેષ કાર્ય કર્યું છે.
સચિવએ વધુમાં જણાવ્યું હતું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકર્ડ અત્યાર સુધી 6,666 પોસ્ટકાર્ડ સાથે સ્વિટ્ઝર્લેન્ડ પાસે હતો, જે હવે ગુજરાતનાં નામે થયો છે. આ રેકોર્ડ માટે રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે 350×80 ફૂટના વિસ્તારમાં75,00,000નો આંકડો બનાવીને તેમાં પોસ્ટકાર્ડ લગાવવામાં આવ્યા હતા, જેના માટે સહકાર વિભાગના 50થી વધુ અધિકારીઓ તથા 100થી વધુ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
