મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગરમાં ભજન સંધ્યામાં વિજેતાઓનું સન્માન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગરમાં ભજન સંધ્યામાં વિજેતાઓનું સન્માન
ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ભક્તિમય વિરાસતને જાળવવાના ઉદ્દેશ્ય સાથે વિસનગર ખાતે આજે 'આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યા'નો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સામાજિક વિષયો પર યોજાયેલી ભજન સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
'વિકાસથી વિરાસત'નો મંત્ર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ઉજવાઈ રહેલા 'વિકાસ સપ્તાહ'નો મૂળ મંત્ર 'વિકાસથી વિરાસત'ને સાકાર કરવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભજન અને ભક્તિ એ આપણી મહાન વિરાસત છે.
ભજન મંડળીઓ સામાજિક જાગૃતિનું મોટું માધ્યમ:
મુખ્યમંત્રીએ ભજન મંડળીઓને સામાજિક સમરસતા, ભાઈચારો અને જાગૃતિ ફેલાવવાનું મોટું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભજન માત્ર આત્મસાક્ષાત્કાર જ નહીં, પરંતુ 'વસુધૈવ કુટુંબકમ્' એટલે કે સાથે મળીને રહેવાનો ભાવ જન્માવે છે, જે પ્રધાનમંત્રીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રનું મૂળ છે.
'વોકલ ફોર લોકલ'ના સંકલ્પમાં ભજનનું યોગદાન:
મુખ્યમંત્રીએ ભજન મંડળીઓને પ્રધાનમંત્રીના 'જન ભાગીદારી'ના અભિગમની જેમ 'વોકલ ફોર લોકલ'ના મંત્ર સાથે જોડાવવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા માટે ભજન મંડળીઓ ભજન બનાવીને જનજાગૃતિમાં મોટું યોગદાન આપી શકે છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક વાત:
આ પ્રસંગે વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ ભજન સંધ્યાને દિવ્ય કાર્યક્રમ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભોજનમાં ભક્તિ મળે તો પ્રસાદ બને, પ્રવાસમાં ભક્તિ મળે તો યાત્રા બને, અને ગીતમાં ભક્તિ મળે તો ભજન બને, જે આત્માથી પરમાત્મા સુધી પહોંચાડવાનો માર્ગ છે. તેમણે દિવાળીમાં સ્વદેશી વસ્તુઓ ખરીદીને ભારતની સદી બનાવવામાં યોગદાન આપવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ભજન મંડળીઓને ગીત-સંગીતના સાધનોની કીટ આપવામાં આવતા આભાર વ્યક્ત કર્યો હતો.
સામાજિક વિષયો પર ભજન સ્પર્ધા:
કાર્યક્રમ દરમિયાન પરિવાર જીવન, સ્વચ્છતા, અન્નનો આદર અને મોબાઈલના વધતા ઉપયોગ જેવા સામાજિક જાગૃતિના વિષયો પર ભજન બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા ભજન મંડળીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભક્તિમય કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા, સાંસદો, વિવિધ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ભજન મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
