મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મેયર પ્રતિભા જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ દ્વારા મનોરંજનની વિવિધ કૃતિઓ રજૂ કરાઈ આ ઉપરાંત ફેરિયાઓના બાળકો દ્વારા સુંદર નૃત્ય પણ રજૂ કરાયું હતું.
આ પ્રસંગે પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ કે જેમના જીવનમાં આ યોજના થકી બદલાવ આવ્યો હોય તેઓએ સ્ટેજ પર પોતાનો સકારાત્મક પ્રતિભાવ આપી સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત તમામ લોકોને નૂતન વર્ષ નિમિતે શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્નેહમિલન એ પરિવારજનો સાથે ઉજવાય તે આપણી સંસ્કૃતિ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાનામાં નાનો માણસ આર્થિક રીતે પગભર બને તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ફેરિયાઓ અને લારી ગલ્લા ધારકોને બેંકમાંથી લોન લેવી મુશ્કેલ અને બહારથી વ્યાજે પૈસા લેવા પણ અતિ મુશ્કેલ કામ હોય છે ત્યારે પ્રધાનમંત્રીએ તમામ શેરી ફેરિયાઓ માટે પી.એમ.સ્વનિધિ યોજના લાવ્યા અને લાભ અપાવ્યો.
આ ઉપરાંત પી.એમ. સ્વનિધિ યોજના થકી પોતાના જીવનમાં આર્થિક ઉન્નતિ પામેલ મહિલાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.
