મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘રન ફોર યુનિટી’ મેરેથોનને ઝંડી બતાવી
Live TV
-
રન ફોર યુનિટીમાં અંદાજિત 2500 થી વધુ લોકો જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સૌ દોડવીરો એ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.
31 ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વધુમાં તેમણે વધુમાં કહ્યું કે, ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન’ને સાકાર કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ 2014 થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન’ને સાકાર કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રન ફોર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે. એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રન ફોર યુનિટીમાં અંદાજિત 2500 થી વધુ લોકો જોડાયા
આ દોડ કુલ 3.0 કિલોમીટર અંતરની રહી હતી. જેમાં અંદાજિત 2500 થી વધુ લોકો જોડાયા હતા. આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સર્વ સાંસદ સભ્ય, સર્વ ધારાસભ્ય તેમજ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, તેમજ અન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
