મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ગ્રામ પંચાયતોને 576 કરોડના ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનની ચૂકવણીનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે 576 કરોડની રકમની ચૂકવણીનો પ્રારંભ રાજકોટ ખાતેથી કરાવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળ દાયિત્વ સંભાળીને આજે વડાપ્રધાન તરીકે દેશને આપેલા સુશાસન અને વિકાસની ઉજવણી પ્રતિવર્ષ ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે. આ વર્ષના વિકાસ સપ્તાહના પાંચમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યની ગ્રામ પંચાયતોની ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાન રકમની ચૂકવણીની પ્રતીકરૂપે શરૂઆત કરી હતી. આ ઉપરાંત, તેમણે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન અને ચાર સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું હતું.
ઓક્ટ્રોય નાબૂદી અને ગ્રામીણ વિકાસ:
આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. ઓક્ટ્રોયની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં, વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે છેલ્લા એક દાયકામાં રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદીના વળતર પેટે વધારાના અનુદાન તરીકે ₹ 576 કરોડથી વધુનું અનુદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગામડાઓમાં રોડ, વીજળી, પાણી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પ્રધાનમંત્રીએ નાણાપંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે.
સમરસ પંચાયત અને યુવાનોની ભાગીદારી:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે અને આ વર્ષે તો રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. તેમણે નોંધ્યું હતું કે, પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે 42% સરપંચો 21થી 40 વર્ષના છે, જેમાં પીએચ.ડી. થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગામનું નેતૃત્વ કરી રહ્યા છે.
ગ્રામવિકાસના સફળ આયામો:
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સક્ષમ પંચાયતોને સશક્ત, સમૃદ્ધ ગુજરાતનો આધાર બનાવી છે. સમરસ ગ્રામ, તીર્થગ્રામ, ઈ-ગ્રામ વિશ્વગ્રામ, જ્યોતિગ્રામ, પાવન ગામ એવા ગ્રામવિકાસના અનેકવિધ સફળ આયામો તેમણે આપ્યા છે. તેમણે વિકાસ કામોની સકારાત્મક માનસિકતા અને કાર્ય સંસ્કૃતિ વિશે વાત કરતાં કહ્યું કે, એક સમયે કોર્પોરેશનમાં ₹ 10 હજારના કામની મંજૂરી માટે પણ લાંબો સમય લાગતો હતો, પરંતુ આજે ₹ એક કરોડ સુધીનાં કામ તો કોર્પોરેટરો પણ કરાવી શકે છે.
મહિલા સશક્તિકરણ અને 'આત્મનિર્ભર ભારત':
ગ્રામીણ વિકાસ અને મહિલાઓના સશક્તિકરણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સખીમંડળોને દરેક પ્રકારની મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની રહી છે. 'આત્મનિર્ભર ભારત' માટે પ્રધાનમંત્રીએ દેશવાસીઓમાં જગાવેલા વિશ્વાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, મન કી બાતમાં રમકડાઓની આયાત ઘટાડવા અંગેના આહવાન પછી આજે ભારતમાં બનેલાં રમકડાં 143 દેશમાં નિકાસ થાય છે.
વિકસિત ગુજરાત અને સ્વદેશી અપનાવવાનો આહવાન:
મુખ્યમંત્રીએ 'વિકસિત ભારત'નો સંકલ્પ સાકાર કરવા માટે છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની પ્રધાનમંત્રીની ચિંતાને કેન્દ્રમાં રાખી હતી. તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટથી છેવાડાના વિસ્તારમાં ધંધા-રોજગાર વધે તેવી પ્રેરણાને અનુસરતાં હવે ગુજરાતમાં રિજનલ વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે. ભારતને આત્મનિર્ભર અને વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે મુખ્યમંત્રીએ સ્વદેશીને અપનાવવા, સ્વદેશી વસ્તુઓ જ વેચવા, ખરીદવા અને તેનો ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું.
અન્ય મહાનુભાવોના ઉદ્બોધન:
આ વેળાએ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે આજે સરકારી વહીવટમાં ગામડું કેન્દ્રમાં આવ્યું અને ગોકુળગ્રામ, નિર્મળ ગામ અને સમરસ ગામ જેવા અભિગમથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના નિર્ણયના કારણે 14મા નાણાપંચથી ગ્રામ પંચાયતોને આવશ્યક અધિકાર, વ્યવસ્થા અને સત્તા આપવાનું શક્ય બન્યું છે.
કાર્યક્રમની રૂપરેખા:
-
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબહેન રંગાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
-
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી મિલિન્દ તોરવણેએ સ્વાગત પ્રવચન કર્યું.
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે ₹ 194 કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને 'દિવાળી ભેટ' આપી હતી.
-
સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત વિવિધ વસ્તુઓ (પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફ્ટ, મોતીકામ)ના પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા.
-
ડ્રોન દીદીની નવી ટેકનોલોજીની ઉડાન સાથે કાર્યકુશળતાનું પ્રદર્શન યોજાયું હતું.
આ અવસરે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જયેશભાઈ રાદડીયા, દુર્લભજીભાઈ દેથરીયા, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
