મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ રાજકોટથી કરાવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળ દાયિત્વ સંભાળીને આજે વડાપ્રધાન તરીકે દેશને આપેલા સુશાસન અને વિકાસની ઉજવણી પ્રતિવર્ષ ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે. આ વર્ષના વિકાસ સપ્તાહના પાંચમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં તેમણે રાજ્યની ગ્રામ પંચાયતોની ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાન રકમની ચુકવણીની પ્રતીકરૂપે શરૂઆત ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન અને ચાર સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું હતું.આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. ઓક્ટ્રોયની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં, વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે છેલ્લા એક દાયકામાં રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદીના વળતર પેટે વધારાના અનુદાન તરીકે રૂ. 576 કરોડથી વધુનું અનુદાન આપ્યું છે. એટલું જ નહિ, ગામડાઓમાં રોડ, વીજળી, પાણી જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પ્રધાનમંત્રીએ નાણાપંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે અને આ વર્ષે તો રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે 42 ટકા સરપંચો 21થી 40 વર્ષના છે. પીએચ.ડી. થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગામનું નેતૃત્વ કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સક્ષમ પંચાયતોને સશક્ત, સમૃદ્ધ ગુજરાતનો આધાર બનાવી છે. સમરસ ગ્રામ, તીર્થગ્રામ, ઈ-ગ્રામ વિશ્વગ્રામ, જ્યોતિગ્રામ, પાવન ગામ એવા ગ્રામવિકાસના અનેકવિધ સફળ આયામો આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસ કામોની સકારાત્મક માનસિકતા અને કાર્ય સંસ્કૃતિ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક સમયે કોર્પોરેશનમાં રૂ. 10 હજારના કામની મંજૂરી માટે પણ લાંબો સમય લાગતો હતો. પરંતુ આજે રૂપિયા એક કરોડ સુધીનાં કામ તો કોર્પોરેટરો પણ કરાવી શકે છે.
ગ્રામીણ વિકાસ અને મહિલાઓના સશક્તિકરણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સખીમંડળોને દરેક પ્રકારની મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનની સિલ્વર જ્યુબિલી થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનને મહત્વનું ગણાવતા તેમણે કહ્યું હતું કે, રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે દેશના 140 કરોડ નાગરિકોનો જનવિશ્વાસ બન્યો છે. વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે છેવાડાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકારી યોજનાઓના નિર્માણમાં નાનામાં નાના માણસને કેન્દ્રમાં રાખવાની ચિંતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આત્મનિર્ભર ભારત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓમાં જગાવેલા વિશ્વાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મન કી બાતમાં રમકડાઓની આયાત ઘટાડવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહવાન પછી દેશમાં ચિત્ર બદલાયું અને આજે ભારતમાં બનેલાં રમકડાં 143 દેશમાં નિકાસ થાય છે. વાઈબ્રન્ટ સમિટથી છેવાડાના વિસ્તારમાં ધંધા-રોજગાર વધે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલી પ્રેરણાને અનુસરતાં હવે ગુજરાતમાં રિજનલ વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે.ભારતને આત્મનિર્ભર અને વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા આપણે સ્વદેશીને અપનાવીએ, સ્વદેશી વસ્તુઓ જ વેચીએ, ખરીદીએ અને તેનો ઉપયોગ કરીએ તેવું આહવાન મુખ્યમંત્રીએ કર્યું હતું.
આ વેળાએ સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે આજે સરકારી વહીવટમાં ગામડું કેન્દ્રમાં આવ્યું અને ગોકુળગ્રામ, નિર્મળ ગામ અને સમરસ ગામ જેવા અભિગમથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો. સરપંચો ગામની પ્રગતિ પર ગર્વ કરતા થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ગામડાંઓની નોંધપાત્ર પ્રગતિને લીધે અનેક ગામોને 'વિકસિત ગામ'નો દરજ્જો મળ્યો છે. પ્રધાનમંત્રીના નિર્ણયના કારણે 14મા નાણાપંચથી ગ્રામ પંચાયતોને આવશ્યક અધિકાર, વ્યવસ્થા અને સત્તા આપવાનું શક્ય બન્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણીના માધ્યમથી ગુજરાત સરકારની વણથંભી વિકાસયાત્રા ગામડે-ગામડે જઈ ગામડાંઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબહેન રંગાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ મિલિન્દ તોરવણેએ સ્વાગત પ્રવચન કર્યું જ્યારે પંચાયત વિભાગના અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ આભારવિધિ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે રૂ. 194 કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને ‘દિવાળી ભેટ’ આપી હતી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત અનોખી વસ્તુઓ, પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફટ, મોતીકામ જેવી વિવિધ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. તેમજ ડ્રોન દીદીની નવી ટેકનોલોજીની ઉડાન સાથે કાર્યકુશળતાનું પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા,ડો. મહેન્દ્રભાઈ પાડલીયા,જયેશભાઈ રાદડીયા, દુર્લભજીભાઈ દેથરીયા,મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે,ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર મહેશભાઈ જાની, પી.જી.વી.સી.એલ. એમ.ડી. સુધીર પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પી. જી. કયાડા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણીઓ ભરતભાઈ બોઘરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
