મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નેતૃત્વ કરશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારના રોજ ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થશે અને તેનું નેતૃત્વ કરશે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12-30 કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના દેશભરના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંવાદ કરવાના છે.
આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ સિવાય સમગ્ર દેશમાંથી બે હજારથી વધુ વીબીએસવાય વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) અને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) પણ જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની તથા પ્રાકૃતિક ખેતી જેવી માહિતી આપતા સ્ટોલ્સની મુલાકાત લેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરશે તેમજ ડ્રોન નિદર્શન કરવામાં આવશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓ તેમણે મેળવેલા લાભ અંગે પ્રતિભાવો રજૂ કરશે.
વિકસિત ભારત યાત્રાના ભાગરૂપે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, ઉપાધ્યક્ષ અને દંડકો આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા સ્થળેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે.
