મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા
Live TV
-
વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સ્વપ્નમાં ગુજરાત નવાં ચિહ્નો અંકિત કરશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત GCCIના વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને ગૃહમંત્રી અમિત શાહના પ્રયાસોથી અમદાવાદને કૉમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની મળી છે, જે અમદાવાદમાં વિકાસના નવા બૅન્ચમાર્ક સેટ કરશે. એટલું જ નહીં, આનાથી વર્ષ-2036માં ગુજરાતમાં ઑલિમ્પિક રમતોનાં આયોજન માટેનાં દ્વાર પણ ખૂલ્યાં છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીની કાર્યશક્તિનાં ફળ ગુજરાતને હરહંમેશ મળતાં રહ્યાં છે. તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તેમણે દરેક ક્ષેત્રની ક્ષમતા ઓળખીને રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. જેના પરિણામે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
મુખ્યમંત્રીએ વર્ષ-2035માં ગુજરાત@75 વિશે વાત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રીએ ચીંધેલા માર્ગ પર આગળ ચાલીને વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સ્વપ્નમાં ગુજરાત નવાં ચિહ્નો અંકિત કરશે જ, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્યની વિકાસયાત્રા વિશે વાત કરતાં પટેલે કહ્યું કે, નરેન્દ્રભાઈએ રાજ્યમાં દરેક ક્ષેત્રના વિકાસનો પાયો નાખ્યો હતો. જેના કારણે આજે ગુજરાતમાં ચીપથી લઈને શિપનું ઉત્પાદન થઈ રહ્યું છે. સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખવા માટે વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ મંત્રને અનુસરીને રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ કર્યો છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહિત વેપાર ઉદ્યોગોના યોગદાનને મહત્ત્વનું ગણાવ્યું હતું. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રને મજબૂત બનાવવા સ્વદેશીનો મંત્ર અપનાવીને સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCI દ્વારા વર્ષ-2026માં યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પોની બીજી આવૃત્તિ GATE-2026ના લૉગોનું અનાવરણ તથા જ્ઞાનવત્સલ સ્વામી લિખિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં ઉપસ્થિત BAPS સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ, આ સંમેલનને ઉદ્યોગ અને અધ્યાત્મનો સમન્વય ગણાવ્યો હતો. તેમણે જી-20 સમિટ અને બીજા દિવસે રામમંદિર પર ધ્વજારોહણના બંને પ્રસંગોમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિને, વિકાસ અને ભારતના વિશ્વગુરુ બનવાની બે સમાંતર ચાલતી પ્રક્રિયા તરીકે સરખાવી હતી. સમાજમાં સ્થિરતા અને ગુણિયલ વ્યક્તિઓના નિર્માણ માટે ઉદ્યોગ અને અધ્યાત્મના સમન્વય પર તેમણે ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે GCCIના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે, વર્ષ-2030માં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ-ગુજરાતને મળવા બદલ મુખ્યમંત્રી સહિત સમગ્ર ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત ના સ્વપ્નને સાકાર કરવામાં GCCI શક્ય તમામ સહકાર આપવાની ખાતરી આપી, આ માટે ચેમ્બર દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે રાજ્યમાં બિઝનેસ ફેન્ડલી વાતાવરણનું નિર્માણ થયું છે અને વ્યાપારી એકમોને લગતાં પ્રશ્નોના ત્વરિત ઉકેલ અને હકારાત્મક અભિગમ માટે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં, GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો-GATEની બીજી આવૃત્તિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના ગ્લોબલ રિસાયકલિંગ એક્સ્પો-GREENS તથા ફાર્મ ટુ ફેશન અને ગ્રેઝર ફેસ્ટની વિગતો અને આયોજનની માહિતી વિડિયો ફિલ્મના માધ્યમથી આપવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો, GCCIના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ રાજેશભાઈ ગાંધી, GCCIના હોદ્દેદારો, વિવિધ સમિતિઓના પ્રમુખ તથા સંસ્થાના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
