મોરબીની ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર
Live TV
-
ગઈકાલે મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 120થી વધુ જોવા મળી રહ્યો છે. હાલ સૌથી વધુ લોકો મોરબી અને રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
આ ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ મોરબી પહોંચ્યા હતા. તેમણે ઘટના સ્થળ તેમજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. તમામને પુરતી સારવાર મળી રહે, તેવી તેમણે ખાતરી આપી હતી.
દિવાળીના રજાના છેલ્લાં દિવસોમાં ઘટેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટવીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રીએ પી.એમ. રાહત કોષમાંથી મૃતકોને રુપિયા 2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50 હજારની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને રૂપિયા 4 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50 હજારની જાહેરાત કરી છે.
