મોરબીમાં પ્રભારી સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક: જનકલ્યાણ કાર્યક્રમો અને ચોમાસાની તૈયારીઓ પર ભાર
Live TV
-
દેશના પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લામાં યોજાનારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોના સુચારુ આયોજન તેમજ આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવએ માર્ગ અને મકાન, પુરવઠા, સમાજ કલ્યાણ તેમજ મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠક દરમિયાન જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાન તેમજ મહિલાઓના આરોગ્ય અને સુરક્ષાલક્ષી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અપડેશન અને પ્રી-મોન્સૂન કામગીરી બાબતે જરૂરી ચર્ચા કરાઈ હતી.
પ્રભારી સચિવએ જિલ્લાના વિવિધ પુલ અને કોઝ-વેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી ચોમાસા પૂર્વે જરૂરી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવા, કોઝ-વે પર પાણીની સપાટી દર્શાવતા માર્કિંગ કરવા તેમજ નાગરિકોની સલામતી માટે જરૂરી ચેતવણી આપતા સૂચના બોર્ડ (સાઇન બોર્ડ) અચૂક લગાવવા સહિત સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ અન્વયે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને પ્રભારી સચિવ દ્વારા ભાર મૂકવામાં આવેલ મુદ્દાઓ અન્વયે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરવા તાકાત કરી હતી.આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
