મોરબીમાં વર્ષાઋતુ પૂર્વે મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
Live TV
-
આગામી થોડાં દિવસોમાં વર્ષાઋતુ શરૂ થશે આ દરમિયાન સંભવિત ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત( સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રિ-મોન્સુન અંગેની સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. વર્ષાઋતુ દરમિયાન એનડીઆરએફ તથા એસડીઆરએફ ટીમોને ડેપ્યુટ કરવા તેમજ આશ્રયસ્થાનો અંગે ચર્ચા કરી વિવિધ સૂચનો કર્યા હતા.
પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સફાઇ સમય મર્યાદામાં કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે ભારે વરસાદ, પૂરની સ્થિતિને પહોંચી વળવા સુચારૂં વ્યવસ્થાની સૂચના આપી હતી.
આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ના ભરાય તે અંગે યોગ્ય આયોજન કરવા તેમજ ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કેનાલની સફાઇ નિયત સમય મર્યાદામાં કરવા મંત્રી મેરજાએ તાકીદ કરી હતી. તદ્ઉપરાંત, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વગેરેની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આનુસંગિક વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને સૂચના પણ આપી હતી.
