મોરબી: લખપતથી નિકળેલી ‘CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન’નું સરવડ ગામે ભવ્ય સ્વાગત
Live TV
-
દેશની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના મજબૂત સંદેશ સાથે ગુજરાતથી કેરળ સુધીની 6,500 કિલોમીટરની ઐતિહાસિક સાયકલ યાત્રાનું મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા આયોજિત આ ‘વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026’30 જાન્યુઆરીએ મોડી રાત્રે સરવડ પહોંચી હતી.વંદે માતરમ્ ગાનના 150 વર્ષની ઉજવણી અને દરિયાઈ તટીય સુરક્ષા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે 28 જાન્યુઆરીથી કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી આ સાયક્લોથોનનો પ્રારંભ થયો છે. 22 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ 25 દિવસીય યાત્રા ભારતના અંદાજે 6,500કિલોમીટર લાંબા મેઈનલેન્ડ કોસ્ટલાઇન પર પરિભ્રમણ કરી કેરળના કોચી ખાતે સંપન્ન થશે.
આ સાયક્લોથોનમાં દેશભરમાંથી પસંદ કરાયેલ 130 ચુનંદા CISF જવાનોની ટીમમાં કચ્છના વતની મિત્તલબા સમરથસિંહ જાડેજાએ સ્થાન મેળવી સમગ્ર ગુજરાત અને કચ્છનું ગૌરવ વધાર્યું છે. સરવડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મિત્તલબાએ ગ્રામજનોને CISFની કામગીરી અને સુરક્ષા વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી.તેમણે 'નારી સશક્તિકરણ' અને 'કન્યા કેળવણી' પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "વિઝન 2047ના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દીકરીઓનું યોગદાન અનિવાર્ય છે. કચ્છના નાનકડા ગામથી આવીને આજે CISFમાં દેશસેવા કરવાની તક મળી તે બદલ હું ગૌરવ અનુભવું છું."
ટીમ કોઓર્ડિનેટર અને પોલીસ ઇન્સ્પેક્ટર મહેશસિંહના જણાવ્યા અનુસાર, આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલા જવાનો પણ જોડાઈને નારી શક્તિનો પરિચય આપી રહી છે. આ યાત્રાનો મુખ્ય હેતુદરિયાઈ સુરક્ષા (Coastal Security) અંગે જનજાગૃતિ લાવવી.વંદે માતરમ્ ગાનના 150 વર્ષની ગૌરવશાળી ઉજવણી કરવી.દેશની એકતા અને અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવો.મોરબીના સરવડ ગામેથી આજે વહેલી સવારે આ સાયક્લોથોને જોડિયા (જામનગર) તરફ પ્રસ્થાન કર્યું હતું.
