રાજકોટના વીંછિયામાં ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિરનું રૂ.10 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
Live TV
-
પીએમ નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને આગળ ધપાવતા ગુજરાત સરકાર રાજ્યમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સાંસ્કૃતિક વારસાને જીર્ણોદ્ધાર સાથે નવો ઓપ આપવાના સતત પ્રયત્નો કરી રહી છે. આ જ કડીમાં રાજ્ય સરકારે સૌથી ઐતિહાસિક, પૌરાણિક તેમજ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા તથા દેશના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, તો સોમનાથનો પડછાયો ધરાવતા તથા ઐતિહાસિક શૌર્યના સાંસ્કૃતિક પ્રતીક સમા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું છે.
મોગલ આક્રમણકારીઓ સામે ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપીને એક શિવલિંગનું રક્ષણ કરવા માટે અભૂતપૂર્વ શૌર્ય દાખવનારાઓની યશોગાથા સમાન ઘેલા સોમનાથ મહાદેવનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજી રાજ્ય સરકાર ઘેલા સોમનાથ મંદિર પરિસર ખાતે એક તરફ વારસાની જાળવાણી માટેના કાર્યો હાથ ધરી રહી છે, તો બીજી બાજુ લાખો શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરી રહી છે. અને એટલે જ સોમનાથ મહાદેવ સહિત અનેક મંદિરોમાં જે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તેવો જ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શરૂ થવાનો છે.
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સોમપિપલિયા ખાતે આવેલું ઘેલા સોમનાથ મહાદેવ મંદિર 550 વર્ષથી વધુ જૂનું છે અને શૌર્યના પ્રતીક તરીકે અપાર ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય આ વારસાનું જતન કરવાનો છે અને સાથે સાથે તીર્થયાત્રીઓના અનુભવને પણ સુધારવાનો છે. આ મહત્વાકાંક્ષી પહેલમાં અંદાજિત રૂ.10 કરોડના ખર્ચે, અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરશે અને ભક્તો માટેની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરશે.
આધુનિકીકરણ અને ઉન્નત સુવિધાઓ
- નવા મુખ્ય કોરિડોર અને મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ.
- યજ્ઞશાળા (ધાર્મિકવિધિઓ માટેનું સ્થળ) અને સમાધિ સ્થળ (સંતોના આરામ સ્થળ)નો વિકાસ.
- મુખ્ય મંદિર માળખાનું વ્યાપક નવીનીકરણ.
- પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ સ્નાન ઘાટ અને ચેન્જિંગ રૂમ, પૂરતી પાર્કિંગ સુવિધાઓ, એક શોપિંગ સેન્ટર અને મંદિરથી ઘાટ સુધી જવા માટે સમર્પિત પાથવેનું નિર્માણ.
