રાજકોટ:‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’માં મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં B2G બેઠક યોજાઈ
Live TV
-
રાજ્યના સર્વાંગી વિકાસ અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવાના મક્કમ સંકલ્પ સાથે રાજકોટ ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'ના બીજા દિવસે ઉચ્ચ સ્તરીય 'બી ટુ જી' એટલે કે બિઝનેસ ટુ ગવર્મેન્ટ બેઠક યોજાઈ હતી.
ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને ન્યુક્લિયર પાવર જેવા ક્ષેત્રોના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે રાજ્યના વિકાસના રોડમેપ અંગે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકની શરૂઆતમાં અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીઈઓ મિલિંદ કુલકર્ણીએ પવન ઊર્જા ક્ષેત્રના ભવિષ્યના અંદાજો અને તેમાં રહેલી વ્યાપક સંભાવનાઓ રજૂ કરી હતી. કેપી ગ્રુપના સીઈઓ ડો. આલોક દાસે અગાઉના વાઇબ્રન્ટ સમિટમાં થયેલા રોકાણોની પ્રગતિ અને આગામી સમયમાં રિન્યુએબલ સેક્ટરમાં નવી તકો વિશે મંત્રીને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, સુઝલોન ગ્રુપના પ્રેસિડેન્ટ દિનેશ જગદાલે અને તેમની ટીમે પવન ઊર્જા પ્રોજેક્ટ્સના આધુનિક સંચાલન અંગે વિગતો રજૂ કરી હતી, જ્યારે યુપીસી રિન્યુએબલ્સ અને પાયોનિયર વિનકોન જેવી કંપનીઓએ નવા પ્રોજેક્ટ્સ અને MoU માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
ઊર્જાના પરંપરાગત સ્ત્રોતોની સાથે ભાવિ ઉર્જા સ્ત્રોતો પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા ગ્રીનવેવ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભાવનગર ખાતે ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ સ્થાપવા અંગે નીતિવિષયક ચર્ચા કરવામાં આવી હતી. આ જ ક્ષેત્રમાં અદ્વૈત એનર્જી ટ્રાન્ઝિશન દ્વારા ઈલેક્ટ્રોલાઈઝર અને ફ્યુઅલ સેલ ડેવલપમેન્ટમાં રોકાણની યોજના રજૂ કરાઈ હતી. વિશેષ નોંધનીય બાબત એ રહી કે, ન્યુક્લિયર ઊર્જા ક્ષેત્રે IYNS દ્વારા સ્વદેશી 'થોરિયમ ફ્યુઅલ માઈક્રો રિએક્ટર' SUK-M પ્રોજેક્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે ભારતના ઉર્જા ભવિષ્ય માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ગ્રીન એનર્જીની સાથે પર્યાવરણ સુરક્ષા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને પણ મંત્રીએ સાંભળ્યા હતા. ઇમેજિન પાવરટ્રી દ્વારા ગ્રીન સ્ટાર્ટઅપ વિભાવના અને સ્વર્ગારોહણ સંસ્થા દ્વારા પર્યાવરણને અનુકૂળ ‘ઈકો-ફ્રેન્ડલી અગ્નિસંસ્કાર મશીન’ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. LDES કાઉન્સિલ દ્વારા GUVNL સાથેના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી, જ્યારે કેર્નીના પ્રતિનિધિઓએ રાજ્યના વિઝનને સાકાર કરવા તકનીકી સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તમામ ઉદ્યોગ સાહસિકોના પ્રસ્તાવો અને રજૂઆતો સાંભળ્યા બાદ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. તેમણે ખાતરી આપી હતી કે, ઉદ્યોગોને જરૂરી તમામ વહીવટી અને નીતિવિષયક સહયોગ સરકાર પૂરો પાડશે. ગુજરાતને ગ્રીન એનર્જીનું વૈશ્વિક હબ બનાવવાની દિશામાં આ બેઠકો અત્યંત ફળદાયી નીવડશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.આ બેઠકમાં કાયદા મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ઉર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, નાણાં સચિવ જેનુ દીવાન અને GUVNLના ડાયરેક્ટર પ્રીતિ શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને ઉદ્યોગ જગતના પ્રશ્નો અને સૂચનો પર વિચાર-વિમર્શ કર્યો હતો.
