Skip to main content
Settings Settings for Dark

રાજકોટ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિચરતી વિમુક્ત જાતિના 65 પરિવારોને આવાસોની કરાઇ ફાળવણી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુકત જાતિના લોકો સહિત વંચિત, છેવાડાના માનવી, અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવી વિચરતી જાતિઓને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા સાથે પાકા આવાસ, તેમના બાળકોને શિક્ષણ અને અન્ય માળખાકીય સુવિધા આપવામાં સરકાર સદાય તત્પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના રામપરા બેટીમાં વિચરતી અને વિમુકત જાતિના 65 પરિવારોને 'વગડામાંથી વ્હાલપની વસાહત' અંતર્ગત આવાસોની ફાળવણી કરી હતી. 

    રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 19 પ્લોટ ધારકોને સનદ વિતરણ અને 300 થી વધુ લાભાર્થીઓને 40 ચોરસ મીટર જમીનના પ્લોટ આવાસ બાંધકામ માટે તેમણે અર્પણ કર્યા હતા. રાજ્ય સરકાર વિચરતી વિમુકત જાતિઓના ઘરવિહોણા લોકો સહિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગને મકાન બાંધકામ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અન્વયે રૂ. 1.20 લાખની સહાય આપે છે. રાજ્યમાં વિચરતી-વિમુકત જાતિના 24,352 લાભાર્થીઓને આવી આવાસ સહાયના કુલ રૂ.110 કરોડ અત્યાર સુધીમાં ચુકવવામાં આવ્યા છે. રાજકોટમાં 'વગડામાંથી વ્હાલપની વસાહત'માં જે 65 આવાસો નિર્માણ થયા છે તેમાં પણ આવાસ દીઠ રૂ.1.20 લાખની આવી સહાય આપવામાં આવેલી છે. 

    ભૂપેન્દ્ર પટેલે ઉજ્જવલા યોજના અન્વયે 29 જેટલા ગેસ સિલીન્ડર કિટ ઉપરાંત આટકોટ ખાતે પોલીસ માટે રૂ. 648.70 લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટર ખાતે રૂ. 1443.60 લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે રામપરા બેટી ખાતે સેનિટરી પેડનું વિતરણ કરતા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ અને શુદ્ધ પાણી પૂરું પાડતા 650 આર.ઓ. મશીનનું પણ લોકાર્પણ કર્યું હતું. 

    ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાનામાં નાના માનવીને પાયાની સગવડો આપવા પ્રધાનમંત્રીએ 2005 થી આવી આવાસોની અને વિનામૂલ્યે જમીન પ્લોટ ફાળવણી યોજના શરૂ કરાવેલી છે. વિચરતી જાતિના લોકોને કોઇના ઓશિયાળા રહેવું ન પડે તે માટે આવાસ સાથે ગરિમા પણ આપી છે. તેમણે આવા આવાસ ફાળવણી, સનદ વિતરણના કાર્યક્રમોને છેવાડાના માનવીની સુખ-સુવિધાની ખેવના કરતા અને તેમના માટે કંઇક કરી છૂટવાના આત્મસંતોષના કાર્યક્રમ ગણાવી રાજકોટ જિલ્લા વહિવટીતંત્રને આ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શિક્ષણને રાજ્ય-રાષ્ટ્રના વિકાસનો પાયો ગણાવતાં એમ પણ ઉમેર્યુ કે, કાયમી આવાસ સુવિધા મળવાથી હવે વિચરતી જાતિના પરિવારોના સંતાનો પણ સ્થાયી શિક્ષણ મેળવી શકશે. મુખ્યમંત્રીએ આવાસ લાભાર્થીઓને સુખમય ભાવિની શુભેચ્છા આપતાં એમ પણ જણાવ્યું કે, શિક્ષણ માટે શાળા, આવાસ માટે સહાય વગેરે સગવડો આપવા માટે રાજ્ય સરકાર સદાય તેમની પડખે ઉભી છે. 

    વિવિધ ગામોના સરપંચોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. વિચરતા સમુદાયના અગ્રણી અજયભાઈ સોરાણીએ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ.51,000નો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. વી.એસ.એસ.એમ. સંસ્થાના અગ્રણી મિત્તલ પટેલે મુખ્યમંત્રી આ પ્રસંગે પધાર્યા તે બદલ અત્યંત ખુશી સાથે તેમનો આભાર માન્યો હતો. વિચરતી જાતિઓને વસાહત સાથે પાણી, વીજળી મળવા બદલ તેઓના જીવનમાં ખુબ મોટો બદલાવ આવી રહ્યો છે અને રાજ્ય સરકારની વિવિધ સહાય માટે તેઓ પાત્રતા ધરાવતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. 

    આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર વિભાગના રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્ય કુંવરજી બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રેન્જ આઇ.જી. સંદીપકુમાર, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રાથમિક નિયામક ધીમંતકુમાર વ્યાસ, અધિક નિવાસી કલેકટર કે.બી ઠક્કર, એડિશનલ કલેક્ટર એન.એફ. ચૌધરી અને એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીઓ, અગ્રણીઓ મનસુખભાઈ રામાણી, નાગદાનભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં વિચરતી જાતિના લોકો જોડાયા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply