રાજકોટ: PM મોદીએ 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ'નો કરાવ્યો પ્રારંભ
Live TV
-
રાજકોટ: PM મોદીએ 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ'નો કરાવ્યો પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટ ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ'નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સમિટ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા આ પ્રદેશના નાના અને મોટા ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે અને વિદેશી રોકાણકારો માટે પણ આ પ્રદેશ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ઔદ્યોગિક ક્રાંતિ અને રોજગારીની તકો
સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉદ્યોગો માટે અપાર સંભાવનાઓ રહેલી છે. આ સમિટના માધ્યમથી અહીંના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, જેના કારણે રોજગારીની નવી તકો ઊભી થશે. આ પ્રદેશમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ વધી રહી છે, તેનાથી માત્ર સ્થાનિક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરના રોકાણકારો પણ અહીં મૂડીરોકાણ કરવા માટે પ્રેરાશે.
આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ભાર: ખાસ 'હેલ્થ ડોમ'નું આકર્ષણ
રોકાણ અને ઉદ્યોગોની સાથે સાથે લોકોની સુખાકારી અને સ્વાસ્થ્ય પર પણ વડાપ્રધાને વિશેષ ધ્યાન આપ્યું છે. આ સમિટમાં એક વિશેષ 'આરોગ્યલક્ષી ડોમ' તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની સવિસ્તાર માહિતી આપવામાં આવી છે. તેમાં ખાસ કરીને ભારતમાં અત્યારે કઈ પ્રકારની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે તેનું પ્રદર્શન, સરકારની વિવિધ સ્કીમ દ્વારા સામાન્ય નાગરિકોને મળતા લાભોની વિગતો, આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તેનું જીવંત મોડેલની માહિતી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ માટે સોનેરી તક
નિષ્ણાતોના મતે, આ રિજનલ વાઇબ્રન્ટ સમિટ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના સર્વાંગી વિકાસ માટેનો એક રોડમેપ છે. તેનાથી આર્થિક ગતિવિધિઓ વધશે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં આ પ્રદેશો મોટું યોગદાન આપશે.
