રાજભવનમાં આજે ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસની કરવામાં આવી ભવ્ય ઉજવણી
Live TV
-
ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ :
આજે ૨૪મી જાન્યુઆરીએ ભારતના જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ છે. રાજભવનમાં ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ભવ્ય સમારોહમાં બોલતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યના તમામ રાજભવનોમાં તમામ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે થઈ રહેલી ઉજવણીમાં ભિન્ન-ભિન્ન પ્રદેશોના નાગરિકો ભેગા થઈ રહ્યા છે. એકબીજાની નજીક આવી રહ્યા છે. સંગઠિત થઈ રહ્યા છે. બધા ભારતીયો એક પરિવારના સભ્ય છે, આ દેશ આપણા સૌનો છે. એવી લાગણી વધુ સુદ્રઢ બની રહી છે.
ઉત્તર પ્રદેશના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતતે કહ્યું હતું કે, ભગવાન શ્રીરામની જન્મભૂમિના રાજ્યમાં વસતા સૌ નાગરિકોને રામ જન્મભૂમિ મંદિરની રચના અને શ્રીરામ લલાની સ્થાપનાની વધામણી અને શુભેચ્છાઓ. ઉત્તર પ્રદેશ આધ્યાત્મિકતાનો પ્રદેશ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ રાજ્યમાં જ જન્મ લીધો. ગંગા-યમુના-સરસ્વતી જેવી મહાન પવિત્ર નદીઓ આ રાજ્યમાં વહે છે. ઉત્તર પ્રદેશમાં શ્રી રામ મંદિરની સ્થાપનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા યુગમાં નવી ચેતનાનો સંચાર કર્યો છે. ચૌદિશામાં ભારતનો વિકાસ થઈ રહ્યો છે. ભારત આત્મનિર્ભર થઈ રહ્યું છે ત્યારે યુવાનોને વિકસિત ભારત માટે યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
તમામ પ્રદેશોના સ્થાપના દિવસની સંયુક્ત ઉજવણી :
મણીપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ તારીખ ૨૧મી જાન્યુઆરીએ હતો અને ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો; દાદરા અને નગર હવેલી, દમણ તથા દીવનો સ્થાપના દિવસ ૨૬ જાન્યુઆરીએ છે. બે-બે દિવસના અંતરે આવતા આ તમામ પ્રદેશોના સ્થાપના દિવસની સંયુક્ત ઉજવણી આજે રાજભવનમાં કરવામાં આવી હતી. આ અવસરે ઉત્તર પ્રદેશ, દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મણિપુર તથા દમણ અને દીવના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતપોતાના રાજ્યોના નૃત્ય અને ગીતો પ્રસ્તુત કર્યા હતા. તમામ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોના પ્રતિનિધિઓએ પોતાના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
