રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગે ગુજરાત રાજયમાં ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. પૂર્વ તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાતનાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે અનુરૂપ આજે વહેલી સવારથી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. રાજ્યમાં મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. શહેરમાં આજે વહેલી સવારે ભારે પવન શરૂ થયો હતો, હાથમાં કાળા ડિબાગ વાદળો પણ છવાયા હતા, ત્યારબાદ વિજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈને ડાંગના ખેડૂતોને ખેતીમાં તકેદારી રાખવા જણાવાયું છે.
હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે જુનાગઢ ખાતે વહેલી સવારે ચાર વાગ્યાથી કમોસમી વરસાદ પડવાનું શરૂ થયો હતો.
જુનાગઢ જિલ્લાના જુનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ સીટી, વિસાવદર, મેંદરડા, માળીયાહાટીના વગેરે તાલુકામાં વહેલી સવારે 4 થી 6 સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ ધીમીધારે વરસાદ ચાલુ હોય નવા વર્ષની શરૂઆતનું માવઠું ખેડૂતોને પણ નુકસાનકારક સાબિત થાય તેવું હવામાન વિભાગે જણાવ્યુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગીર સોમનાથ, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીના પગલે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક બંધ કરાઇ છે.
