રાજ્યના 198 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી, ખેડાના નડિયાદમાં આભ ફાટ્યું
Live TV
-
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.5 ઈંચ વરસાદ...અમદાવાદના દસક્રોઈમાં સાડા 10 ઈંચ વરસાદ તો ખેડાના મહેબદાબાદમાં સાડા 9 ઈંચ, માતરમાં 8 ઈંચ તો મહુધામાં 7 ઈંચ વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ.
- રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧ ટકાથી વધુ; સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૬૫ ટકા વરસાદ વરસ્યો
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જેમાં નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં પણ ગત 24 કલાકમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં મનમુકીને વરસ્યાં મેઘરાજા. સાણંદમાં 5 ઈંચ, બાવળામાં સાડા 4 ઈંચ, ધોળકામાં સવા 4 ઈંચ વરસાદ તો અમદાવાદ શહેરમાં પોણા 3 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ વચ્ચે વરસાદ. ધુમ્મસને કારણે વીઝીબલીટી ઘટતા વાહન ચાલકો અને શાળાએ જતા બાળકોને હાલાકી પહોંચી.
તાલુકાની વાત કરવામાં આવે તો, ગત 24 કલાકમાં ખેડાના મહેમદાબાદ તાલુકામાં 9 ઈંચથી વધુ, માતર તાલુકામાં 8 ઈંચથી વધુ, મહુધા તાલુકામાં 7 ઈંચથી વધુ, વાસો તાલુકામાં 6 ઈંચથી વધુ તેમજ કઠલાલ તાલુકમાં અને આણંદના ઉમરેઠ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત, ખેડા તાલુકામાં તથા અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકા તાલુકામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ખેડાના ગળતેશ્વર અને ઠાસરા, ડાંગના વઘઈ અને સુબીર, આણંદના બોરસદ અને આણંદ, અરવલ્લીના ભિલોડા, બનાસકાંઠાના ભાભર, પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના બોડેલી, વડોદરાના દેસર તેમજ પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પણ છેલ્લા 24 કલાકમાં 3-3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 14 તાલુકામાં 2 ઈંચથી વધુ, 48 તાલુકામાં 1 ઈંચથી વધુ જ્યારે, 112 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 31 જિલ્લાના 198 તાલુકામાં સરેરાસ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, 28 જુલાઈના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ 65 ટકા, કચ્છ ઝોનમાં 64 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાત ઝોનમાં 63 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 62 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 55 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી
અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ તો સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.. જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.. આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે સૌરાષ્ટ્ર - કચ્છમાં, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. સવારથી અત્યારસુધી કુલ 177 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. રાજ્યના 49 ડેમ હાઇ એલર્ટ પર છે તો અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે..
