રાજ્યના 93 ખેડૂતો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’થી સન્માનિત
Live TV
-
વાર્ષિક 30 લાખ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરતા મહેસાણાના નટવરલાલ પટેલને પશુપાલન ક્ષેત્રે મળ્યું બહુમાન..તો ખેતીને હાઈટેક અને સ્માર્ટ બનાવવા માટે કૃષિ વિભાગ અને ISRO વચ્ચે થયા સમજૂતી કરાર
ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ સમારંભનું આયોજન કરાયું હતું. સમારંભમાં પ્રાકૃતિ ખેતી તેમજ કૃષિ ક્ષેત્રમાં અવનવા પ્રયોગો થકી સફળતા પ્રાપ્ત કરનારા રાજયકક્ષાના 10 તેમજ જિલ્લા કક્ષાના 83 ખેડૂતોને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં 14 નવનિયુક્ત મદદનીશ ખેતી નિયામકોને નિમણૂક પત્ર પણ સોંપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, હાલમાં સારી ગુણવત્તા માટે પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ ઉપાય નથી. તો રાજયપાલ દેવવ્રત આચાર્યએ કહ્યું હતું કે, હાર્ટ એટેક, કેન્સર જેવા રોગ 20થી 40 વર્ષના યુવાનોમાં ભરડો લઈ રહ્યા છે ત્યારે જીવનશૈલી બદલવી તેમજ ખાનપાનમાં શુદ્ધતા અનિવાર્ય છે.
આ પુરસ્કારો પૈકી 15 એવોર્ડ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે, 45 એવોર્ડ ફળ-ફૂલ તથા શાકભાજીની ખેતી ક્ષેત્રે, 15 એવોર્ડ પશુપાલન ક્ષેત્રે અને 8 એવોર્ડ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો, પેકિંગ તથા અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યા. “ખેડૂતથી બજાર અને બજારથી ગ્રાહક” સુધીની કડીને સુદૃઢ કરવાના હેતુથી રાજ્યભરમાં આશરે 100 જેટલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ થયું.
જ્યારે ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU પણ કરવામાં આવ્યા હતા. ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોને ખેતી સંબંધિત જરૂરી માહિતી વધુ ઝડપથી મળી રહે અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક માહિતીનો ઉપયોગ વધે તે દિશામાં આ કરાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
