અમદાવાદમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ પ્રદર્શનનો શુભારંભ
Live TV
-
મેયર હિતેશ બારોટના હસ્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું...PM મોદીની 25 વર્ષની જનસેવા અને ગુજરાતની વિકાસયાત્રાની મલ્ટિમીડિયા ઝાંખી...
રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનનું આયોજન કર્યું.... અમદાવાદના મેયર હિતેશ બારોટના હસ્તે પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો...PM મોદીની ગુજરાતથી શરૂ થયેલી 25 વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાને વિવિધ પેનલ, પોસ્ટર્સ, દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓ અને મલ્ટિમીડિયા માધ્યમથી પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. ગુજરાતના કૃષિ-પશુપાલન, શિક્ષણ, ઉદ્યોગ, બંદરો, ઊર્જા, જળશક્તિ, મહિલા સશક્તીકરણ અને સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોમાં થયેલી કામગીરીની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
પ્રદર્શનમાં કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, જ્યોતિગ્રામ યોજના, ઈ-મમતા, મિશન મંગલમ, જ્ઞાનશક્તિ, પાણીદાર આયોજન, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, પશુ આરોગ્ય મેળા, સમરસ છાત્રાલય યોજના સહિતની વિવિધ વિકાસલક્ષી પહેલોની માહિતી રજૂ કરવામાં આવી છે. ૨૫ વર્ષની વિકાસયાત્રા સાથે સંકળાયેલી કામગીરી અંગે મુલાકાતીઓ માટે ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત તા. 3 થી 5 ઓક્ટોબર દરમિયાન સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી લઈ શકશે.
મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવોએ પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ રજૂ કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, ધારાસભ્યઓ સર્વે અમિત ઠાકર, જીતુ પટેલ, દિનેશસિંહ કુશવાહ, હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા જશુ ઠાકોર, દંડક અતુલ મિશ્રા સહિત કોર્પોરેટરો, અગ્રણીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
