રાજ્યપાલના ભાષણ સાથે વિધાનસભાના બજેટ સત્રની આજથી શરુઆત, 4 દિવસ થશે બજેટ પર ચર્ચા
Live TV
-
ગાંધીનગરઃ આજથી ચૌદમી ગુજરાત વિધાનસભાનું 10મું સત્ર શરુ થયું છે. આજે બજેટ સત્રની શરુઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ભાષણ સાથે સત્રની શરુઆત કરવામાં આવી હતી. પ્રણાલિકા અનુસાર રાજ્યપાલને વિધાનસભા ખાતે આવકાર્યા હતા અને વિધાનસભાને સંબોધન કરવા માટે વિધાનસભા અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યએ વિનંતી કરી હતી. ત્યાર બાદ રાજ્યપાલે વિધાનસભાને સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું આ પ્રથમ વિધાનસભા બજેટ સત્ર છે. આજે પ્રથમ દિવસે વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શોક સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી સ્વ.લતા મંગેશકર અને વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સ્વ. આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત રાજયના પૂર્વ રાજ્યકક્ષાનામંત્રી સ્વ. પ્રતાપસિંહ હીરાભાઇ પટેલ, સ્વ. વ્રજલાલ દુર્લભજી જાની, સ્વ. અમૃતલાલ કાળીદાસ પટેલ અને સ્વ. ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહીલ અને ગુજરાત રાજયના પૂર્વ સભ્ય સ્વ. અંબાલાલ જયશંકર ઉપાધ્યાય, સ્વ. જગદીશચંદ્રજી દોલજીભાઇ ડામોર અને સ્વ. જોરૂભા જેઠુભા ચૌહાણના અવસાન અંગેના શોકદર્શક સંદેશ પાઠવવામાં આવ્યા હતા.
આજથી શરુ થયેલા આ બજેટ સત્રમાં 4 દિવસ સુધી બજેટ વિષય પર ચર્ચા થશે. બીજી તરફ ચૂંટણીનું વર્ષ હોવાથી કોંગ્રેસના સભ્યો બજેટ સત્રમાં હાજરી આપશે અને ઉગ્ર રજૂઆતો પણ કરી શકે છે. ગુજરાત સરકારનું ચૂંટણી પહેલા આ છેલ્લું બજેટ હશે, તો બધાની નજર રાજ્ય સરકાર બજેટમાં શું નવી જાહેરાતો કરશે તેના પર છે. રાજ્ય સરકાર કુદરતી ખેતી અને રખડતા પ્રાણીઓના નિયંત્રણ જેવા પગલાં પર ભાર આપી રહી છે.
