રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના પ્રવાસમાં પ્રાકૃતિક ખેતીની સમજ આપી
Live TV
-
જો સમગ્ર દેશમાં માત્ર પ્રાકૃતિક કૃષિ જ થાય તો ભારતમાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ ભૂતકાળ બની જશે ,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત ઝેરમુક્ત અને પ્રાકૃતિક ગુજરાત બને તે મારું મિશન છે,પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ ઈશ્વરીય કાર્ય છે,નવી પેઢીને ઉપજાઉ જમીન, શુદ્ધ હવા અને શુદ્ધ પાણી આપવું એ આપણી નૈતિક ફરજ છે,ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં છે, તેમ જણાવી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિના પાંચ આયામોને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
આણંદ જિલ્લાના પ્રવાસે રહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના બી. એ. સી. એ. ઓડીટોરિયમ હોલમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાંકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાકૃતિક કૃષિને ટકાઉ વિકાસનો માર્ગ ગણાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વિકસિત ભારત માટેનો આધારસ્તંભ હોવાનું મક્કમપણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત ઝેરમુક્ત (રાસાયણિક ખેતી મુક્ત) રાજ્ય બને તે મારું મિશન છે, તેમ વધુમાં ઉમેરીને રાજ્યપાલશ્રીએ પોતાના ઉદ્બોધનમાં રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અને પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણુઓનું મહત્વ વિષયને સમગ્રતયા આવરી લીધો હતો.
હરિત ક્રાંતિનો ઉલ્લેખ કરીને તેમણે આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાની અને આજની પરિસ્થિતિને સવિસ્તૃત ઉદાહરણો તેમજ તથ્યો આધારિત રિપોર્ટ ટાંકીને સમજાવ્યું હતું. ખાદ્યાન્નની અછતને પહોંચી વળવા માટે હિમાયત કરાયેલી હરિત ક્રાંતિ વખતે દેશની જમીનનો ઓર્ગોનિક કાર્બન ૨ થી ૨.૫ ટકા હતો, જે જંગલ જેટલી જમીનની ઉપજાઉ ક્ષમતા બરાબર હતો અને આજે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી પણ ઓછો છે, તેમ કહીને રાજ્યપાલશ્રીએ વર્તમાન સમયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની વિપરીત અસર વર્ણવી હતી.
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી હતી. રાજ્યપાલશ્રીએ ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો સાથે જ ગામના સફાઈ કર્મીઓનું પણ જાહેરમાં સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા, આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ વધે તેવું સૂચન કર્યું હતું.. રાજ્યપાલએ જણાવ્યું હતું કે આજે ભણેલા ગણેલા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધવું એ ચિંતાજનક બાબત છે. જો મોટા લોકો સ્વયં સારા કામો કરશે તો નાના બાળકોમાં સુટેવો કેળવાશે.
રાજયપાલએ પલોલ ગામના પશુપાલક અને ખેડૂત શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કર્યું હતુ. તેમણે ગોપાલભાઈ દ્વારા કરવામાં આવતા ગૌ સંવર્ધનનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેમણે પલોલ ગામમાં પશુપાલન વ્યવસાય બાબતે વાતચીત કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.વધુમાં રાજ્યપાલએ પલોલ ગામે સામાજિક સમરસતાની મિશાલ આપતા ગ્રામીણ શ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લીધું હતું. રાજ્યપાલશ્રીને દાળ ભાત, તુવેર પાપડીનું શાક, રોટલી અને દૂધ પીરસવામાં આવ્યું હતું. ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ વડીલ સહજભાવે પરિવારની વિગતો મેળવી પરિવારના બાળકોને ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલશ્રીએ આતિથ્ય સત્કાર બદલ પરિવારનો આભાર માન્યો હતો.. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નટુભાઈના આડોશ પડોશમાં રહેતા લોકો સાથે પણ ચર્ચા કરીને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
