રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સોજીત્રાના પલોલ ગામની લીધી મુલાકાત
Live TV
-
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી હતી. રાજ્યપાલએ ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો. સાથે જ ગામના સફાઈ કર્મીઓનું પણ જાહેરમાં સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા, આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ વધે તેવું સૂચન કર્યું હતું.. રાજ્યપાલએ જણાવ્યું હતું કે આજે ભણેલા ગણેલા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધવું એ ચિંતાજનક બાબત છે. જો મોટા લોકો સ્વયં સારા કામો કરશે તો નાના બાળકોમાં સુટેવો કેળવાશે.
આચાર્ય દેવવ્રતજીએ પલોલને સ્વચ્છ ગ્રામ બનાવવા સૌ ગ્રામજનોને કાર્યાન્વિત થવા અપીલ કરી હતી. આ માટે ગામની પ્રત્યેક શેરી દીઠ સ્વચ્છતાની ટુકડીઓ બનાવી આયોજન પ્રમાણે કામ કરવા સૂચન કર્યું હતું. સ્વચ્છતા ઉપરાંત રાજ્યપાલએ પર્યાવરણ સંવર્ધનમાં વૃક્ષારોપણના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે સૌ ગ્રામજનોને અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકોના જન્મદિવસના અવસરે ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરે અને ત્રણ વર્ષ સુધી તેનું જતન પણ કરે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ, જિલ્લા પોલીસ વડા જસાણી, પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ, સહિત જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, પલોલ ગ્રામ સરપંચ કેતનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
