રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના માણસાના પુંધરા ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રામાં જોડાયા
Live TV
-
ગુજરાતમાં ગામેગામ પહોંચી રહેલી વિકસિત ભારત સંકલ્પયાત્રામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંધરા ગામે જોડાયા હતા. પ્રવેશદ્વારે જ મંદિર પરિસરમાં તેમણે ગ્રામ સફાઈ કરી હતી.
50 દિવસથી વધુ સમયથી ભારતભરમાં યોજાઇ રહેલી વિકસિત ભારત સંકલ્પયાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ અવસરે કહ્યું હતું કે, આજે ભારત પોતાની વિરાસત, સંસ્કૃતિ, જીવનશૈલી, રહેણી-કરણી, ભાષા અને ખાન-પાન પર ગર્વ લઈ શકે એવા દિવસો આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર થઈ રહેલા ભારત ભણી આજે આખું વિશ્વ મીટ માંડીને બેઠું છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની પ્રતિબદ્ધતા સાથે ભારત પોતાની પ્રગતિ પર ગૌરવની અનુભૂતિ કરી રહ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સર્વાંગી પ્રગતિ કરી રહ્યું છે. તમામ ઘરોમાં નળથી જળ પહોંચી રહ્યું છે. બહેનો રાંધણ ગેસ પર રસોઇ કરી રહી છે. સૌને રહેવા માટે ઘર મળી રહ્યાં છે. ખેતરોમાં સિંચાઈના પાણી પહોંચી રહ્યાં છે. તમામ ગામો પાકા માર્ગોથી જોડાયા છે. રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે. નર્મદાના નીર ઘેર-ઘેર પહોંચ્યા છે. ગુજરાતના અને ભારતના રેલ્વે સ્ટેશનનોની કાયાપલટ થઈ ગઈ છે.
