રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
Live TV
-
માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સલાહ
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી સિસ્ટમ સક્રીય થવાની સાથે ઉત્તર પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ ફંટાતા તેની સીધી અસર ગુજરાત પર થઇ છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, લીંબડી અને ચુડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે થાનમાં જોરદાર ઝાપટું પડ્યું હતું. જેથી ઝરીયા મહાદેવ મંદિર પાસે કુદરતી નજારો દીપી ઉઠ્યો છે. જ્યારે ધાંગધ્રા, પાટડી, લખતર, મૂળી અને સુરેન્દ્રનગર વાસીઓ મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના તમામ એટલકે 33 જીલ્લાઓના 168 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા વાવમાં 230 એમએમ વરસાદ નોંધાયો છે. તો થરાદમાં 171 મિલીમીટર, સુરતના ઉમરપાડામાં 100મીમી, ડાંગના સુબીરમાં 96 મીમી, સાબરકાંઠાના હિંમતનગરમાં 59 મીમી વલસાડના કપરાડામાં 54 મીમી અને ભરૂચના નેત્રંગમાં51 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આજે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન સરદાર સરોવર બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરવાસથી પાણીની આવક ઘટતા બંધની જળસપાટી 24 કલાકમાં દસ સેન્ટીમીટરને 121.74 મીટર થઈ છે. હાલમાં ડેમમાંથી 12 હજાર કયુસેક પામી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમમાં 1590 એમસીએમ નો પાણીનો લાઇવ સ્ટોરેજ છે. જ્યારે પાવર હાઉસના ત્રણ ટરબાઇન કાર્યાન્વિત કરવામાં આવ્યાં છે.તો, સેલવાસમાં મધુબન ડેમની સપાટી 72.40 મીટર નોંધાઈ હતી. તાપી જિલ્લામાં વીયર બંધ છલકાયો છે. જેના પગલે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા NDRF ની ટીમ વિવિધ સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે દેશના 15 જેટલા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
