રાજ્યમાં નોટરીની 1,660 જગ્યાઓ ભરવા માટે આગામી 16 મે થી ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ કરાશે: કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
Live TV
-
નાગરિકોને પોતાના ગામ-તાલુકામાં વધુ સરળતાથી નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે ગુજરાતમાં નોટરીની કુલ 1,660 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટાઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રીઓ-ઉમેદવારો માટે આગામી 16 મે,2022 ના રોજ ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેમ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઇન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયા ઝડપી, સરળ અને ન્યાયિક થાય તે માટે કુલ ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. નોટરીની કુલ 1,660 જગ્યાઓ માટે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલી અરજીઓની સ્ક્રુટીની કર્યા બાદ 10,427 જેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યુની કામગીરી આગામી સપ્તાહથી એટલે કે 16 મે, 2022 થી બ્લોક નં-1 ના ચોથા માળે, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી પૂર્ણ કરીને રાજ્યભરમાં 1,660 જગ્યાઓ ઉપર નોટરીઓની નિમણૂક આપવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યુ હતું કે, ઇન્ટરવ્યુ અંગેની કામગીરી અર્થે 16 મે, 2022ના રોજ અખબારમાં જાહેરાત તેમજ કાયદા વિભાગની વેબસાઇટ ઉપર પણ વિગતો પ્રસિધ્ધ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લા મુજબ યોજાનાર ઇન્ટરવ્યુના ઉમેદવારોના કોલલેટર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ તબક્કાવાર બાકીના જિલ્લાના ઉમેદવારોના ઇન્ટરવ્યુની તારીખની વિગતો પણ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. ‘નોટરી’ સમાજ જગતમાં ખુબ જ ઉપયોગી છે અને તેની વિશ્વસનીયતા પર ક્યારે સવાલ ઉભો ન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી નોટરી ધારાશાસ્ત્રીની છે. હાલ જે નોટરી છે તે અને વ્યક્તિગતમાં નોટરી થશે તે તમામ ધારાશાસ્ત્રીને ટકોર કરતા મંત્રી એ કહ્યું કે, નોટરી કરતી વખતે કરવામાં આવતી ઓળખ સહીત-વિગતો દરમ્યાન કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. નોટરીની થોડી પણ બેદરકારી ભારે નુકશાનમાં પરિણમી શકે છે. આવી ક્ષતિ કોઈ નાગરિકના હકકમાં કાયમ માટે દાગ લગાડી શકે છે તે અંગે તકેદારી રાખવા ભારપૂર્વક મંત્રીએ ઉમેર્યુ હતું. નોટરી દરમ્યાન બેદરકારીથી બની ગયેલા બનાવટી પાવર ઓફ એટર્ની થકી જમીન હડપ થઇ ગયાના અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. જેથી આ વ્યવસાય સાથે સંકળાયેલા ધારાશાસ્ત્રીઓ પૂરતી તકેદારી રાખીને નોટરી કરે જેથી કોઈની જમીન હડપ થઇ જવાના બનાવ ન બને તેવી પણ તાકીદ મંત્રીએ કરી હતી.
