રાજ્ય સરકારનો નિર્ણય: મકાનના ટ્રાન્સફર્સની ભરવાપાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ
Live TV
-
નાના અને મધ્યમ વર્ગીય પરિવારના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.મકાનના ટ્રાન્સફર્સની ભરવાપાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ કરાશે માફ. મૂળ ડ્યૂટીના 20 ટકા અને દંડની રકમ મળી, લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય લીધો છે. સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી - ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરવામાં આવશે અને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9(ક) અન્વયે ભરવા પાત્ર રકમમાં છૂટછાટ આપવામાં આવશે. મધ્યમ વર્ગના લોકો પર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો, તે પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે...
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર, હવે મૂળ ડયુટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.આમ, રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્રને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.
