રાજ્ય સરકારે ફેક ન્યૂઝની ખરાઈ કરવા વેબસાઇટ શરૂ કરી, ખોટા ન્યૂઝ ફેલાવતા રોકવાનો નિર્ણય
Live TV
-
રાજ્ય સરકારે www.fakenews.gujaratcybercrime.org નામની વેબસાઇટ ચાલુ કરી
ગુજરાત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી છે. તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે, ‘અમદાવાદ, સુરત અને વડોદરામાં લોકડાઉનના ચુસ્ત પાલન માટે પેરામિલિટ્રી ફોર્સની 5 ટુકડી મૂકવામાં આવી છે. જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 2, સુરતમાં 2 અને વડોદરામાં 1 ટુકડી મૂકવામાં આવી છે. ત્યારે રેપીડ ફોર્સની 4 કંપનીઓ પણ કાર્યરત રહેશે.’સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાને રોકવા માટે તથા ખોટા ન્યૂઝ રોકવા માટે રાજ્ય સરકારના સાયબર સેલ દ્વારા www.fakenews.gujaratcybercrime.org નામની વેબસાઇટ ચાલુ કરવામાં આવી છે. નાગરિકો અફવા કે ખોટી માહિતીની ખરાઈ અને ફરિયાદ કરી શકશે. લોકડાઉન દરમિયાન ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. સામાન્ય બહાના બનાવી લોકો હજુ પણ ફરી રહ્યાં છે. લોકો પોલીસ સાથે દુર્વ્યવહાર પણ કરે છે. જો આવી કોઇ ઘટના બનશે તો પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ અત્યાર સુધી 202 ગુના નોંધવામાં આવ્યા છે અને 365 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 9 એકાઉન્ટ બ્લોક કર્યા છે. રાજ્યમાં લોકડાઉન દરમિયાન ગઇ કાલે જાહેરનામાના ભંગ બદલ 3121 ગુના નોંધ્યા છે, ક્વોરન્ટીન ભંગના 1006 અને અન્ય 467 ગુના મળીને કુલ 4594 ગુના નોંધી કુલ 7064 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત 2998 વાહનો જપ્ત કર્યા છે.
