રાષ્ટ્રપતિની ગાંધીનગર કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારંભમાં હાજરી
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગાંધીનગરની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારંભમા હાજરી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ગુજરાત પ્રાચીન કાળથી શિક્ષણનુ ક્ષેત્ર રહ્યું છે આ ધરતીએ દયાનંદ સરસ્વતી, ગાંધીજી, સરદાર પટેલ સહીત વિવિધ મહાપુરુષો દેશને સમર્પિત કર્યા છે. કોઈપણ યુનિવર્સિટીની વાસ્તવિક ઓળખ તેના બિલ્ડિંગ અને કેમ્પસથી નહીં પરંતુ વિદ્યાર્થીઓની પ્રતિભા અને શિક્ષકોના સમર્પણથી બને છે. તેમણે જણાવ્યું કે મને એ જાણીને આનંદ થાય છે કે અહીં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં લગભગ 55 ટકા દીકરીઓ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આપણા દેશને નોલેજ સુપર શક્તિ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીય મૂલ્યોના આધારે આધુનિક નોલેજ વિઝનના શિક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.અહી નોંધનીય છે કે ગુજરાતની આ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમા વિવિધ 30 રાજ્યોના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ આવતીકાલે વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધઘાટન કરશે જ્યાં ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ શરુ થશે.
