લોકશાહીનો પર્વઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું મતદાન, CM ભૂપેન્દ્ર પટેલ-નાયબ DyCM હર્ષ સંઘવીએ આપ્યો મત
Live TV
-
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની આશરે 10 હજાર બેઠકો પર 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબી કતારો લાગી છે.
રાજ્યના અને દેશના નેતાઓએ વહેલી સવારથી જ પોતપોતાના મતદાન મથકો પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો:
અમિત શાહ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે પોતાના નિર્ધારિત મતદાન મથક પર પહોંચીને મતદાન કર્યું હતું અને લોકોને લોકશાહીને મજબૂત કરવા અપીલ કરી હતી.
ભૂપેન્દ્ર પટેલ: મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના થલતેજ વોર્ડમાં શીલજની પ્રાથમિક શાળા ખાતે પત્ની સાથે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વિકાસની ગતિ જાળવી રાખવા માટે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ.
સી.આર. પાટીલ: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, "મતદાન એ આપણો અધિકાર અને ફરજ છે. સુરતમાં સામૂહિક મતદાનની સુંદર પરંપરા આજે પણ જોવા મળી રહી છે."
હર્ષ સંઘવી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન બાદ જણાવ્યું કે ગુજરાતની જનતા વિકાસના રાજકારણને મજબૂત કરવા આગળ આવી છે. તેમણે ઉમેર્યું કે, "ભાજપ અને નાગરિકો 'ટીમ ગુજરાત' તરીકે એક નવો ઇતિહાસ લખવા તૈયાર છે."
જગદીશ વિશ્વકર્માઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ ચૂંટણીને લોકશાહીનો ઉત્સવ ગણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ આપેલી વિકાસની ભેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનવા અને વધુમાં વધુ મતદાન કરવા વિનંતી કરી છે.
