વડનગરના આંગણે શ્રાવણોત્સવનો દબદબાભેર પ્રારંભ
Live TV
-
ઐતિહાસિક નગરી વડનગરમાં ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સાથે 'વડનગર શ્રાવણોત્સવ'નો પ્રારંભ
ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજે વહેલી સવારે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'વડનગર શ્રાવણોત્સવ' નો આજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરી વડનગરની ધરતીને સાંસ્કૃતિક ચેતનાથી તરબતર કરી હતી.
આ અવસરે તેમણે મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય 'ડમરુ યાત્રા' નું પોતે ડમરુ વગાડીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થયો હતો.
108 કલાકારોના ડમરુ ગુંજારવથી શિવમય બની વડનગર
વડનગરની ગરિમા અને શિવભક્તિની પરંપરાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108 નિષ્ણાત કલાકારો દ્વારા એકસાથે ડમરુ વાદન કરવામાં આવ્યું હતું. 108 કલાકારોના એકસાથે થતા ડમરુના ગુંજારવ અને ગહન નાદથી સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ હતી. આ અનોખા વાદનથી ઉપસ્થિત જનમેદની અને નગરજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.નાયબ મુખ્યમંત્રીએ આ સાંસ્કૃતિક વારસાને બિરદાવતા જણાવ્યું હતું કે વડનગરના આંગણે આ શ્રાવણોત્સવ ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક ફલક પર એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે.
ભવ્ય ડમરુ યાત્રાનો રૂટ અને વિશેષ આકર્ષણ
આ ભવ્ય ડમરુ યાત્રાએ વડનગરના વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને શ્રદ્ધાના સૂત્રે સાંકળી લીધા હતા. શર્મિષ્ઠા તળાવથી પ્રારંભ થયેલી આ યાત્રા અર્જુન બારી, ભગતના ગલ્લા અને જુના ચાચરેથી પસાર થઈ હતી. ત્યારબાદ આ યાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈને અંતે સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર યાત્રામાં સ્વયં સહભાગી થઈ નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. યાત્રાના અંતમાં તેમણે હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.
'વડનગર હેરિટેજ ઑટો રિક્ષા' સેવાનો પ્રારંભ અને વિકાસ કાર્યોની સમીક્ષા
ધાર્મિક કાર્યક્રમો બાદ નાયબ મુખ્યમંત્રીએ વડનગરના પ્રવાસનને વેગ આપવા માટે 'વડનગર હેરિટેજ ઑટો રિક્ષા' સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પોતે હેરિટેજ ઓટોરિક્ષામાં સવારી કરી હતી. ત્યારબાદ તેમણે વડનગરના વિવિધ વિકાસાત્મક કામો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
