વડનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મહેમાનો માટે ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા
Live TV
-
વડનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મહેમાનો માટે ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા: ગુજરાતની ભાતીગળ હેરીટેજની પ્રસ્તુતિ
આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે મહેસાણા ખાતે તા. 9 ઓક્ટોબરથી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - નોર્થ ઝોનમાં સહભાગી થવા આવેલા દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને મહેમાનો માટે ઐતિહાસિક શહેર વડનગર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેરીટેજ થીમ પર રંગારંગ કાર્યક્રમ
બે દિવસીય કોન્ફરન્સના પ્રારંભ બાદ, મહેમાનોને ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ કરાવવા માટે સમી સાંજે આ રંગારંગ સાંસ્કૃતિક સંધ્યા યોજાઈ હતી. કલાકારોએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને હેરીટેજ થીમ પર આધારિત પરંપરાગત નૃત્યો, ખાસ કરીને ગરબાની દિલકશ પ્રસ્તુતિ આપી હતી. ગુજરાતની કલા-સંસ્કૃતિની આ સુંદર ઝલક નિહાળીને દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને મહેમાનો અત્યંત પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીએ કરાવ્યો કોન્ફરન્સનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા ખાતે આ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં સહભાગી થઈ રહ્યા છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત જિલ્લા પંચાયત પ્રમુખ, મહેસાણા અને પાટણના લોકસભા સાંસદો, ધારાસભ્યો અને મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
