વડનગરમાં 800 વર્ષ જુની ઘેરૈયા ચૌદશની પરંપરા આજે પણ યથાવત, મોઢ બ્રાહ્મણો ઉજવે છે ઘેરૈયા ચૌદશ
Live TV
-
હોળીના તહેવાર નિમિત્તે વિવિધ રીતે હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. ક્યાંક લઠ્ઠમાર હોળી ઉજવાય છે તો ક્યાંક ફુલડોલ ઉત્સવ રુપે હોળી ઉજવાતી હોય છે. આવી જ રીતે ઐતિહાસિક નગરી વડનગરમાં ઘેરૈયા ચૌદશની પરંપરા રુપે હોળીની ઉજવણી કરાય છે. વડનગરના મોઢ બ્રાહ્મણો દ્વારા 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા મુજબ ઉજવણી કરાય છે. આ પરંપર સાથે ભક્ત પ્રહલાદની દંતકથા પણ જોડાયેલી છે.
વડનગરમાં ભક્ત પ્રહલાદની દંતકથા પ્રમાણે ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરા આજે પણ ઉજવણી કરવામાં આવે છે. હિરણ્યકશિપ રાજાએ જ્યારે ભક્ત પ્રહલાદનું બહેન હોલિકા સાથે દહન કરવાની જાહેરાત કરી હતી ત્યારે મોઢ બ્રાહ્મણોએ અસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી "ભોમ છડી"ના નાદ સાથે હોલિકા દહન પહેલાં ભક્ત પ્રહલાદ માટે પ્રાથના કરી હતી. અંતે અસત્યનો પરાજય અને સત્યનો વિજય થયો, હોળીકા બળી અને પ્રહલાદ જીવતો બહાર આવ્યો. આમ હોળીકા દહન પહેલાં ફાગણ સુદ ચૌદશે આ ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.
વડનગરમાં ઉજવાતી ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઈને ગેરીયો ગુમે છે. અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદી જ પ્રકારે ગેરિયા રમે છે. આમ પુત્ર પુત્રીની પ્રાપ્તિ, ધનધાન્યની વૃદ્ધિ અને આયુ આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ આજે પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે.
