વડીયા તાલુકામાં સિંહણના હુમલામાં ઇજાગ્રસ્તોની રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ લીધી મુલાકાત
Live TV
-
તાજેતરમાં વડીયા તાલુકાના અરજણસુખ અને તોરી ગામ વિસ્તારમાં સિંહણ દ્વારા કરવામાં આવેલા અચાનક અલગ અલગ હુમલાની દુર્ઘટના અત્યંત સંવેદનાપૂર્ણ છે.
આ હુમલામાં ભોગ બનેલા વનકર્મી સહિતના કુલ પાંચ નાગરિકો હાલ અમરેલી સ્થિત શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે.ઇજાગ્રસ્તોની સ્થિતિની ત્વરિત સમીક્ષા કરવા અને તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીએ પ્રત્યેક ઇજાગ્રસ્ત નાગરિકની મુલાકાત લઈ ભારે સંવેદનાપૂર્વક તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી અને પરિવારજનોને મુશ્કેલીની આ ઘડીમાં ધીરજ રાખવા જણાવ્યું હતું.મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને અધિકારીઓ સાથે વાત કરી દર્દીઓની સારવાર અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.
તમામ ઇજાગ્રસ્તોને સમયસર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા રાજ્યમંત્રીએ તબીબી સ્ટાફને સૂચનાઓ આપી હતી. રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપત્તિની આ કપરી ઘડીમાં સરટાર અસરગ્રસ્તોની પડખે અડીખમ ઊભી છે અને તમામ નાગરિકોની સારવારમાં કોઈ પણ પ્રકારની ઉણપ રાખવામાં આવશે નહીં. આ સાથે જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી, માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારવા અને લોકસુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
